તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલો, આ તો સાવ નવી વાત:કોરોનાની સેકન્ડ વેવમાં લોકો રેમડેસિવિર માટે વલખાં મારતા હતા, સરકાર કહે છે- દવાની અછત નહોતી! હવે થર્ડ વેવનો એક્શન પ્લાન રજૂ

ગાંધીનગર3 મહિનો પહેલા
 • કોરોનાની ત્રીજી લહેર આવી તો કોઈ પણ દર્દીને ક્યાંય તકલીફ નહીં પડે તેવી CM રૂપાણીની આગોતરી ખાતરી
 • ઓક્સિજન ક્ષમતા 1150 મેટ્રીક ટનથી 1800 મેટ્રિક ટન કરવાનો નિર્ધાર
 • પી.એસ.એ. પ્લાન્ટ 24 થી 400 તથા પી.એસ.એ. પ્લાન્ટની ક્ષમતા 20 મેટ્રિક ટનથી 300 મેટ્રિક ટન
 • ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સંખ્યા 700થી વધારી 10,000 કરવામાં આવશે

કોવિડ-19ની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં લાશોના ઢગલા થઈ ગયા હતા. દર્દીઓના સગાએ રેમડેસિવિર ઈન્જેક્શન તથા ઓક્સિજનના બાટલા માટે દોડાદોડ કરવી પડી હતી. હોસ્પિટલમાં બેડ-વેન્ટિલેટર ઉપરાંત દવાઓની પણ વ્યાપક અછત સર્જાઈ હતી. આ તમામ અંધાધૂંધી પરથી ધડો લઈને હવે ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો એક્શન પ્લાન રજૂ કર્યો છે. જો કે, પોતે શું કરવાના છે તેની મોટી-મોટી વાતો કરવામાં સરકારે વિવેક ચૂકીને ત્યાં સુધી કહી દીધું કે કોરોનાની બીજી લહેરમાં તેમણે ક્યાંય દવાની તકલીફ પડવા જ દીધી નહોતી.

મુખ્યમંત્રી બોલ્યા, ગુજરાતમાં બીજો વેવ ખૂબજ ઝડપથી કંટ્રોલમાં આવ્યો
ગાંધીનગરમાં આજે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના ત્રીજા વેવ માટેની તૈયારીઓનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીજો વેવ ખૂબજ ઝડપથી કંટ્રોલમાં આવી ગયો છે. ત્યારે નિષ્ણાંતોએ ત્રીજા વેવની આગાહી કરી છે, આ સમયે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોઈ પણ દર્દીને ક્યાંય પર સારવાર માટે તકલીફ પડે નહીં તેની તકેદારી રાખશે. ટૂંક સમયમાં ચાર હજાર પીડિયાટ્રિક બેડ, 30 હજાર ICU અને 15 હજાર વેન્ટિલેટર બેડ તૈયાર રખાશે અને દર્દીઓને ઘરની નજીકમાં સારવાર મળશે.

ત્રીજી લહેરમાં સ્થિતિ ત્રણ ગણી વકરવાની આગાહી, સરકારે કહ્યું- 'ડોન્ટ વરી'
આ પ્રસંગે જ આરોગ્ય કમિશનરે શિવહરેએ જણાવ્યું કે, રાજ્ય સરકારે તો કોરોનાના બીજા વેવમાં પણ દવાની તકલીફ પડવા દીધી નથી. કદાચ સરકારને એ વાસ્તવિકતા બહુ ઝડપથી વિસરાઈ ગઈ હતી કે કેવી રીતે દર્દીઓના સગા રેમડેસિવિર માટે વલખાં મારતા હતા. ઝાયડસ હોસ્પિટલ તથા અન્ય વિતરણ કેન્દ્રો બહાર દર્દીના સ્વજનો રેમડેસિવિર માટે 24-24 કલાક લાઈનમાં ઉભા રહેતા. ઓક્સિજનના બાટલા મેળવવા અને તેને રિફિલ કરાવવા કેવી રીતે ચાર-પાંચ ગણો ભાવ ચૂકવવો પડ્યો હતો.

રસીકરણનો આંક 2 કરોડને પાર થઈ ગયો
રાજ્યમાં રસીકરણનો આંક 2 કરોડને પાર થઈ ગયો છે. રાજ્યના 1.55 કરોડ એટલે કે 33.51% લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 45.45 લાખ એટલે કે 9.81% વસતીએ બંને ડોઝ લીધા છે. દરમિયાનમાં રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આખા રાજ્યમાં માત્ર 6 દર્દીના જ કોરોનાના કારણે મોત થયા છે. તેમાં અમદાવાદ શહેરમાં 2 અને જામનગર શહેરમાં 1, તેમજ જૂનાગઢ, ભરૂચ અને અરવલ્લીમાં 1-1નું મોત થયું છે. બીજા દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે અને 490 નવા કેસ સામે આવ્યા છે.

ગંભીર અછત પૂર્ણ થયા પછી ઓક્સિજન પરનો GST ઘટ્યો
કોરોનાના દર્દીઓ માટે અત્યંત આવશ્યક એવા ઓક્સિજન પરનો GST છેક હવે 12 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. હજી એક મહિના પહેલા સરકારને આવું સૂઝ્યું નહોતું કે જ્યારે હજારો લોકો ઓક્સિજન માટે દોડાદોડ કરી રહ્યા હતા અને તેના પણ કાળાબજાર થતા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દૈનિક 700થી 1250 મેટ્રીક ટન ઓક્સિજન વપરાતો હતો. આવી જ રીતે વ્યક્તિગત ઉપયોગ માટે ઓક્સિજન, કોન્ટ્રેસ્ટર અથવા જનરેટર વપરાતા હોય તેના માટે અત્યાર સુધી 12 ટકા GST હતો તે ઘટાડીને 5 ટકા કરાયો છે.

વેન્ટિલેટર પર અત્યાર સુધી 12 ટકા જીએસટી હતો
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેન્ટિલેટર પર અત્યાર સુધી 12 ટકા જીએસટી હતો જે ઘટાડીને 5 ટકા કરાયો છે. વેન્ટિલેટર સાથેનું માસ્ક, સાધનો અથવા જે હેલ્મેટનો ઉપયોગ કરાય તે સાધનો પર 12 ટકા GST હતો તેને પણ ઘટાડીને 5 ટકા કરાયો છે. સાથે જ બાયપેપ મશીન પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો. દર્દીને હાઈફ્લો ઓક્સિજન સપ્લાય કરતા નેસલ ફ્લોમાં પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે.

કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ પર જીએસટી 5 ટકા
​​​​​​​નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરિષદને સંબોધન કરીને જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓ માટે વપરાતા ટોસીલીઝુમેબ અને એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન પર જીએસટી માફ કરાયો છે, સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શન પર જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. કોરોનાની સારવારમાં અત્યારે જેટલી પણ દવા વપરાય છે અને ભવિષ્યમાં વપરાઈ શકે છે. તે તમામ પર ટેક્સ ઘટાડીને 5 ટકા કરવો તે બાબતે ચર્ચા થઈ હતી. ભારત સરકાર દ્વારા દવાઓનું લિસ્ટ બનાવીને GST કાઉન્સિલને આપવામાં આવશે. તે તમામ દવાઓ પર એક સરખો ટેક્સ કરવામાં આવશેસ, તેમ નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

14500 કેસ આવશે તો પહોંચી જઈએ એટલી તૈયારી કરીઃ આરોગ્ય મંત્રી
આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ત્રીજી વેવની તૈયારીનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું તેમાં અભ્યાસુ તજજ્ઞોની મદદ લેવામાં આવી છે.ત્રીજી વેવ આવે તો રાજ્ય પાછળ ન રહે તે માટેની તૈયારીનું પ્રેઝન્ટેશન રજૂ કરવાંમાં આવ્યું છે. કહેવાતા સંભવિત વેવ માટે કોઈ તૈયારી ન કરી હોય તેવા કેટલાય રાજ્ય છે. અમે 14500 કેસ આવે તો આપણે કઈ રીતે પહોંચી શકીએ તે માટે તૈયારી કરતા હતા. પણ સંભવિત વેવ કેટલી આવશે તે માટે કોઈ ચોક્કસ આંકડો નથી. સંભવિત સંખ્યા પૂરેપૂરી આવે તો એની સામે કેટલી જરૂરિયાત છે તે માટે સીએમ ડેસ્ક સાથે સંકળાઈને જિલ્લા કક્ષાએ તૈયાર થઈ શકે તેવું આયોજન કરાશે. દરેક દર્દીને ઘરની નજીકમાં પથારી મળી રહે તેવા પ્રયાસો કરાશે. કેસ વધે તો પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં વધારો કરાશે.

ઓક્સિજનની જરૂરિયાત માટે નવા પ્લાન્ટ બનાવવાનું શરુ કરી દેવામા આવ્યું છે. ઓક્સિજનની અછત ન રહે તે માટે બે વેવના અનુભવને આધારે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નવી એમ્બ્યુલન્સ ખરીદવાની જવાબદારી 108ને સોંપી દેવામાં આવી છે. દર્દીઓના સગાઓ ઓનલાઈન જોઈ શકશે કે પથારી ક્યાં ખાલી છે. દરેક દર્દીને ઘરની નજીકમાં જ પથારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાશે.

આરોગ્ય કમિશ્નરે પત્રકાર પરિષદમાં એક્શન પ્લાન રજુ કર્યો

 • કોવિડ ફેસિલિટી 1800થી 2400 કરવામાં આવશે.
 • રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ વગેરે દવાઓનો પૂરતો જથ્થો પ્રોક્યોર કરવામાં આવશે.
 • અટેન્ડન્ટની સંખ્યા 4 હજારથી વધારી 10 હજાર કરાશે
 • સર્વેલન્સ યુનિટની સંખ્યામાં 14 હજારથી વધારીને21 હજાર કરાશે
 • સર્વેલન્સની ટિમની સંખ્યામાં 21 હજારથી વધારો કરી 60 હજાર કરવાનો નિર્ધાર કર્યો છે.
 • સિટી સ્કેન મશીનની સંખ્યા 18થી વધારી 44 કરવામાં આવશે.
 • ધનવંતરી રથ અત્યારના રોજના 1.10 લાખ કેસની સાપેક્ષે 2.25 લાખ કેસ હેન્ડલ કરશે
 • સંજીવની રથ 28 હજારની સાપેક્ષે 60 હજાર કેસ ટ્રીટ કરશે.
 • રાજ્યની દરેક હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની માહિતી માટે એક નોડેલ ઓફિસર પણ નિમણુંક કરાશે.