તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ, મોબાઇલ એપનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુ-વીન કાર્ડ લોન્ચ કરી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી - Divya Bhaskar
યુ-વીન કાર્ડ લોન્ચ કરી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • અસંગઠિત સેકટરના શ્રમિકોની ઓનલાઇન નોંધણીની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે: CM

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના શ્રમિકો, બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ ગાંધીનગરમાં કર્યું છે. રાજ્યના શ્રમ રોજગાર વિભાગ દ્વારા 2015ના વર્ષથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી યુ-વીન કાર્ડ આપવાની યોજનામાં 9.20 લાખ અસંગઠિત કામદારો નોંધાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા શ્રમયોગીઓના શ્રમનો-પરિશ્રમનો મહિમા કરતાં અને રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં આવા અદના માનવીઓના યોગદાન પ્રત્યેની સંવેદનશીલતા રૂપે આ નવતર પહેલ ગુજરાતમાં કરવા માટે શ્રમ રોજગાર વિભાગને પ્રેરિત કરેલો છે.

શ્રમિકોની નોંધણીની પ્રક્રિયા સરળ બનશે
શ્રમયોગીઓને પોતાનો રોજ એટલે કે કામનો દિવસ પાડીને, કામ છોડીને આવા યુ-વિન કાર્ડ અંગેની નોંધણી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેવી શ્રમયોગી કલ્યાણ સંવેદના દર્શાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે ગુજરાતમાં આ નવતર અભિગમ અપનાવીને ઓનલાઇન અને પોર્ટલ પર તેમજ કોમન સર્વિસ સેન્ટર દ્વારા આવા અસંગઠિત શ્રમિકોની નોંધણી સરળ બનાવી છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારોની કાર્ય વિસ્તાર કે રહેઠાણ સ્થળે નોંધણી થશે.
અસંગઠિત ક્ષેત્રના કામદારોની કાર્ય વિસ્તાર કે રહેઠાણ સ્થળે નોંધણી થશે.

રહેઠાણના સ્થળ પર જ નોંધણી થશે
અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર, રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજોના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે.

યુ-વીન કાર્ડથી કામદારોને મળશે અગાઉના લાભ
યુ-વીન કાર્ડ ધરાવનારા આ અસંગઠિત કામદારોને પણ અગાઉ લાભ મેળવતા આ ક્ષેત્રના કામદારોને મળે છે. તેમ જ મા અમૃતમ, અકસ્માત વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના લાભ મળી શકશે. એટલું જ નહિ આવા અસંગઠિત કામદારોનો ડેટા બેઇઝ આ નોંધણીથી સરળતાએ ઉપલબ્ધ થવાથી ભવિષ્યમાં તેમને લગતી ભાવિ યોજનાઓ બનાવવામાં પણ સુગમતા રહેશે.

બાંધકામ શ્રમયોગીઓ માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાનો લાભ લેવા માટે પણ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની શ્રમયોગી કલ્યાણ ભાવનાથી નવી દિશા ખુલી છે. અત્યાર સુધી આ બોર્ડની 33 જિલ્લા કચેરીએ થતી નોંધણી હવે રાજ્યના શહેરો અને ગામડાઓમાં પથરાયેલા 21,290 જેટલા કોમન સર્વિસ સેન્ટર પર ઘર આંગણે થઈ શકશે. આવા સર્વિસ સેન્ટર દ્વારા શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે.

સહાય યોજનામાં 20 હજારનો વધારો
અસંગઠિત શ્રમયોગીઓ પૈકી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનામાં અપાતી સહાય અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રસૃતિ સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકની પત્નીને અગાઉ રૂ.5000 સહાય તેમજ 2000 વધુ ઉચ્ચકની રકમ આપવમાં આવતી હતી. પણ હવે મુખ્યમંત્રીના અભિગમથી આ સહાયમાં રૂપિયા 20 હજારની વધારાની મંજૂરીથી હવે કુલ 27,500 સહાય આપવામાં આવે છે.

એટલું જ નહીં, મુખ્યમંત્રી ભાગલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત પુત્રીના જન્મ પ્રસંગે રૂ. 10 હજારનો બોન્ડ, રાજ્યમાં કોઇપણ શ્રમિકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો આવા શ્રમિકના વારસદારને મૃત્યુ સહાય અંતર્ગત રૂ.3 લાખની સહાય, બાંધકામ શ્રમિકના મૃત્યુ બાદ તેની અંતિમ ક્રિયા માટે બાંધકામ બોર્ડમાંથી સહાય અપાય છે. આ મોબાઇલ એપ અને ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલને યુઝર ફેન્ડલી બનાવવામાં સહયોગ આપનારી કોમન સર્વિસ સેન્ટર અને GIPL સાથે શ્રમ નિયામક તથા બાંધકામ શ્રમયોગી બોર્ડ દ્વારા કરવામાં આવેલા MoUનું આદાન-પ્રદાન પણ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...