રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપુર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા કંથારપુર વડની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં આ કંથારપુર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ હેતુસર રૂપિયા 6 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના વિકાસકામોમાં આ સ્થળે નયનરમ્ય લેન્ડ સ્કેપિંગ, ધ્યાનયોગ માટેની જગ્યાઓ, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા તેમ જ પાણીનો બોર, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કામગીરી હાથ ધરાઈ રહ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પ્રવાસન સચિવ હારિત શુક્લ તેમજ ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય અને અધિકારીઓ સાથે કંથારપુર મહાકાળી વડ પહોંચ્યા હતા.
તેમણે નિર્માણાધીન વિવિધ કાર્યોની વિગતો મેળવી હતી તેમ જ સાઈટ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. મુખ્યમંત્રીએ સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો અને ભૂલકાઓ સાથે સ્નેહભાવથી હળ્યા-મળ્યા હતા.
મુખ્યમંત્રીએ આ પરિસરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્રતયા અંદાજે રૂપિયા 14.96 કરોડના ખર્ચે જે કામો તબક્કાવાર રીતે હાથ ધરવાનાં છે, તે નિશ્ચિત સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂરાં થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.
નોંધનીય છે કે, કંથારપુર વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તે મીની કબીરવડ તરીકે પણ ઓળખાય છે. અહીં વડ નીચે મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. એટલું જ નહીં, અડધા એકરથી વધારે જગ્યામાં પ્રસરેલી આ મહાકાય વડની વડવાઈઓ પણ પ્રકૃતિ-પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આ સ્થળની મુલાકાત લઈ તેને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની નેમ દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.