ખરાખરીનો ખેલ:ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં CM ભુપેન્દ્ર પટેલ અને પાટીલ જોડાશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ અને 'આપ'ના નેતાઓ પણ એડીચોટીનું જોર લગાવીને પ્રચારમાં લાગ્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ જોડાશે. હવે ગણતરીના કલાકોનો ચૂંટણી પ્રચાર માટે બાકી રહ્યા છે, તેવા સંજોગોમાં ગાંધીનગર મ્યુનિસીપલ કોર્પોરેશન ચૂંટણી માટે કોંગ્રેસ અને આપ તેના છેલ્લા તબક્કાના પ્રચારમાં લાગી ગયા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચારનો કાલે અંતિમ દિવસ છે. ત્યારે ત્રણેય પક્ષો દ્વારા છેલ્લી ઘડી સુધી પ્રચારમાં જોર લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આવતીકાલે સાંજે 6 વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે અને ગુપ્ત બેઠકોનો દોર શરૂ કરી રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે અથાગ પ્રયાસો કરી અવનવા પ્રલોભનો આપી ગતકડાં કરવા માંડશે.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી ત્રીજી ઓક્ટોબરે યોજાનાર છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી પ્રચારમાં દોડધામ કરી મૂકનાર ત્રણેય રાજકીય પક્ષો આવતીકાલે સાંજે 6 વાગે ચૂંટણી પ્રચારને બંધ કરી દેશે. ત્યારે મતદારો સુધી પહોંચવા છેલ્લી ઘડી સુધી ડોર ટુ ડોર તેમજ સભાઓ ભરી એડી ચોંટીનું જોર લગાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

અત્યાર સુધી ભાજપે દરેક સમાજના અગ્રણીઓ સાથે બેઠકો યોજી નાની મોટી મિટિંગ યોજી રિક્ષાઓ પ્રચારમાં દોડાવી હતી. એટલે સુધી કે ભાજપ દ્વારા મંત્રી મંડળ સહિતના દિગ્ગજ નેતાઓ તેમજ બહારથી પણ કાર્યકરોને ગાંધીનગરના પ્રચારમાં લગાવી દેવાયા છે.

કોંગ્રેસ પણ પોતાની રીતે પ્રચારમાં વ્યસ્ત બની ગઈ છે અને વિવિધ સભાઓ કરીને મતદારો સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરાયા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર કરીને બંને મોટા પક્ષોને દોડતા કરી નાખ્યા છે. કોર્પોરેશનમાં નવા ભળેલા 18 ગામના મતદારોને રીઝવવા ત્રણેય પક્ષોએ પહેલેથી જ ગ્રામ્યમાં ધ્યાન કેંદ્રિત કર્યું હતું.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ ઇન્દ્રોડા ગામમાં વિજય સુંવાળાનો ડાયરો યોજીને મોટી જન મેદની એકઠી કરતા બંને પક્ષો આમ આદમીના સમર્થકોને જોઈ મોંમાં આંગળાં નાખી ગયા. ત્યારે ભાજપે પણ ગામડામાં ડાયરા યોજ્યા હતા. રેલીઓ સભાઓ યોજી છેલ્લી ઘડી સુધી એડી ચોંટી નું જોર લગાવવામાં આવી રહ્યું છે.

ત્યારે નિયમ મુજબ મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પડઘમ શાંત પડશે. રવિવારે ચૂંટણી છે. ત્યારે શુક્રવારે સાંજે 6 વાગ્યા પછી જાહેર પ્રચારના પડઘમ શાંત પડશે અને ત્યાર બાદ ખાનગી બેઠકોનો દોર શરૂ થશે. જેમાં મતદારો તેમજ સ્થાનિક અગ્રણીઓને વિવિધ પ્રલોભનો આપી ચૂંટણી જીતવા અવનવા ગતકડાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...