તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો નિર્ણય:રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ કરાશે, હાજરી સ્વૈચ્છિક, પરંતુ વાલીનો સંમતિપત્ર ફરજિયાત

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતાં વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ કરવાનો નિર્ણય

રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે, તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.

કોરોના સંક્રમણ રોકવા ગાઇડ લાઇન્સનું ચૂસ્ત પાલન
શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6થી 8ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ 8મી જાન્યુઆરી-2021ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે. આ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન અવશ્ય કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ પણ શિક્ષણ સચિવે જણાવ્યું હતું.

વર્ગખંડ ન જનાર બાળકો માટે ઓનલાઈન ક્લાસિસ ચાલુ રહેશે
રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસિસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે.

આ પણ વાંચો, અમદાવાદમાં ધોરણ 9થી11ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું અમને સ્કૂલમાં ભણવાની મજા આવે છે, અમે ડિસ્ટન્સિંગ સાથે સ્કૂલમાં ભણવા માટે તૈયાર છીએ

કોરોનાના ડર અને વેલેન્ટાઈન વીકના ઉત્સાહ વચ્ચે અમદાવાદમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનો કોલેજમાં પ્રથમ દિવસ

સ્કૂલે આવ્યાની ખુશી:અમદાવાદમાં સ્કૂલે ગયેલા વિદ્યાર્થીઓએ શિક્ષકો અને મિત્રોને મળીને ખુશીની લાગણી અનુભવી, સંમતિ પત્રક સાથે પ્રવેશ અપાયો

ગુજરાતમાં 8મી ફેબ્રુઆરીથી રાજ્યભરની કોલેજોના ફર્સ્ટ યરના શૈક્ષણિક કાર્ય શરૂ, સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOP સાથે વર્ગખંડમાં સ્ટુડન્ટ બેસશે

શાળા તો ખૂલી પણ હજુ આ પાંચ બાબતો પર અવઢવ
1. યુનિફોર્મનું શું? નવો ખરીદવો પડશે?

-જે ધોરણમાં યુનિફોર્મ બદલાય છે તથા સ્કૂલો બંધ હોવાથી જેમણે યુનિફોર્મ ખરીદ્યો ન હતો તેઓ હવે માત્ર 2 મહિના માટે યુનિફોર્મ ખરીદશે?
2. પરીક્ષાઓ અંગે નિર્ણય ક્યારે લેવાશે?
-પ્રાથમિક સ્કૂલોમાં પરીક્ષાઓ કેવી રીતે લેવાશે અંગે અવઢવ યથાવત. આ અંગે ઝટ નિર્ણયની અપેક્ષા.
3. ઑફલાઇન સાથે ઑનલાઇન ક્લાસ
-શિક્ષકોએ ઑફલાઇન ક્લાસની સાથે ઑનલાઇન પણ ભણાવવું પડશે.
4. સ્કૂલે આવ-જા માટે ટ્રાન્સપોર્ટેશનનું શું? સ્કૂલ વૅન ક્યારથી શરૂ થશે?
-આ અંગે સ્કૂલો-વાલીઓ અવઢવમાં છે. જો કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે વાલીઓ જાતે બાળકોને મોકલવાની વ્યવસ્થા કરે એ વધારે ઇચ્છનીય છે.
5. વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે હવે શરૂ થયેલી સ્કૂલોમાં શું ભણાવવામાં આવશે?
-સ્કૂલો જણાવે છે કે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો હોવાથી રિવિઝન તથા પરીક્ષાલક્ષી તૈયારી કરાવાશે.

કન્ટેનમેન્ટ ઝોનની સ્કૂલ શરૂ નહીં કરાય
કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે. ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી , શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે.

તબક્કાવાર સ્કૂલ કોલેજ શરૂ કરાઈ રહ્યા છે
રાજ્ય સરકારે કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી. કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10-12 અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે. ધોરણ 9 અને 11ના વર્ગખંડો તારીખ 1લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે. તેમજ તારીખ 8મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ધોરણ 9થી 12ના વર્ગોમાં શરૂઆતના તબક્કે 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ આ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા હતા, તે સંખ્યા હવે વધીને 70થી 72 ટકા જેટલી થઈ ગઈ છે.

સ્કૂલમાં ન આવનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ રખાશે
સ્કૂલમાં ન આવનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ રખાશે

SOP જાહેર કરવામાં આવી

 • તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે
 • જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે.
 • વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે.
 • સ્કૂલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે.
 • વિદ્યાર્થીઓ કેમ્પસમાં સ્વંય-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
 • વિદ્યાર્થીઓએ નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી, સામાજિક અંતર જાળવવું, આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું, હંમેશા ફેસ માસ્ક પહેરવુંનું પાલન કરવાનું રહેશે.
 • સ્કૂલના દરેક ફલોર પર સેનિટાઇઝર આપવાના રહેશે તથા વિદ્યાર્થીઓ/સ્ટાફ સાથે વસ્તુઓની આપ-લે કર્યા પછી, દિવાલો, દરવાજા, દરવાજાના હેન્ડલ, સીડીની રેલીંગ, સ્વીચો વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કર્યા પછી સેનિટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે
 • .કોવિડથી સાવચેતીના ભાગ રૂપે સ્વ-શિસ્તની બાબત તરીકે વોશરૂમનો ઉપયોગ કરતી વખતે પણ સામાજિક અંતરનાં ધોરણોનું પાલન અપેક્ષિત છે.કોરિડોરમાં સામાજિક અંતર જાળવવું જોઇએ, કોઇ વિદ્યાર્થીઓના મેળાવડાની મંજૂરી આપી શકાશે નહી.
 • સ્કૂલ બિલ્ડીંગના કોઇપણ ભાગમાં ભેગા થવાની મંજૂરી આપવાની નથી અને વિદ્યાર્થીઓએ પણ ગ્રુપમાં મળવાનું ટાળવું જોઇએ.
 • સ્કૂલની બહાર અને સ્કૂલના બગીચામાં, વિદ્યાર્થીઓએ ભેગા થવાનું અથવા ગ્રુપમાં બેસવાનું ટાળવું જોઇએ.
 • તમામ પ્રકારની રમતો જેમાં શારીરિક સ્પર્શ થઇ શકે તેવી રમતોને રમવાની મંજૂરી નથી, કેમ્પસમાં જિમ સુવિધા પણ બંધ રહેશે.
 • ભોજનાલયમાં સંપૂર્ણ કોવિડ-19 નિયમોના પાલનની ખાતરી કરવા માટે સ્લોટ-આધારિત કૂપન સિસ્ટમ દાખલ કરવું હિતાવહ છે.
 • વારંવાર ઉપયોગમાં લેવાતા વોટરરૂમના પોઇંટ્સ અત્યંત સંવેદનશીલ હોવાથી તેને સ્પર્શ કરતા પહેલા અથવા પછી હાથની સ્વચ્છતામાં સાવચેતી રાખવી જરૂરી છે.
 • હાથ દ્વારા ઓછામાં ઓછું સ્પર્શ થાય એ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી.માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને લાઇન પ્રણાલીનું યોગ્ય રીતે પાલન કરવું.
 • શંકાસ્પદ કેસોની જાણ કરવી: તાવ અને ઉધરસ અને શ્વાસની તકલીફ ધરાવતા કોઇ પણ વ્યકિતનો પ્રવેશ અટકાવવો, આવા કિસ્સાઓમાં સંબંધિત વિભાગને જાણ કરવી ફરજિયાત રહેશે.
 • આવા વ્યકિતને તરત જ નજીકની ક્વોરેન્ટીન સુવિધા ખાતે અથવા નજીકની કોવિડ હોસ્પિટલમાં લઇ જવાના રહેશે.
 • દરેકને પોતાની પાણીની બોટલ લાવવા અને જનરલ પાણીની બોટલ/મગ/ગ્લાસનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહિત કરવા .
 • દરેક સંસ્થાએ નિયમિતપણે તેના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓના આરોગ્યની દેખરેખ રાખવી જોઇએ.
 • સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ તેમના સ્વાસ્થ્યની સ્વ-દેખરેખ રાખવા માટે તકેદારી લેવી.કોઇ સ્ટાફ અને વિદ્યાર્થીને અથવા તેમના કુટુંબના સભ્યોમાંથી કોઇને ચેપ લાગ્યો હોય/ કોવિડ-19ની સારવાર મળી હોય તે સ્વેચ્છાએ તેની પણ કરવી જોઇશે.
 • માંદગી/આરોગ્યના કોઇ પણ લક્ષણોના કિસ્સામાં કાર્યકારી સ્ટાફને ક્લિનિકલ સારવાર માટે નજીકની કોવિડ સારવાર સુવિધામાં મોકલવાના રહેશે.
 • કર્મચારીઓએ લંચ માટે તંત્ર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે અને સિકયુરિટી ગાર્ડ અને મેસ સ્ટાફ દ્વારા ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર રાખવાની રહેશે.
 • થર્મલ સ્કેનરો, સેનિટાઇઝર, વગેરેની પૂરતી વ્યવસ્થા રિસેપ્શન એરિયા સહિતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર ઉપલબ્ધ કરાવવાની રહેશે.
 • સ્કૂલ કેમ્પસની એન્ટ્રી/એકઝીટ પર લાઇનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ગેટ પર 6 ફુટના અંતર સાથે ચોક્કસ નિશાનો બનાવવા અને તેનું પાલન કરવું.
 • જો સંસ્થામાં એન્ટ્રી/એકઝીટ માટે એક કરતા વધુ ગેટ હોય તો ભીડ ન થાય તે માટે તમામ ગેટનો પૂરતી કાળજી સાથે ઉપયોગ કરવો.
 • વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓની સ્ક્રીનંગ, ફેસ માસ્ક પહેરીને, હાથનું સેનિટાઇઝિંગ વગેરે દરેક પ્રવેશ સ્થળોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.
 • તાવ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા લોકોને અંદર પ્રવેશવાની મંજૂરી આપવી નહીં.
 • રાજ્ય સરકારે કોલેજોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડો શરૂ કરવા SOP શિક્ષણ વિભાગે અગાઉ જારી કરી છે