જિલ્લા પંચાયતના તમામ શાખાઓના વર્ગ-1 અને 2ના અધિકારીઓએ દર મહિને એક ગામની મુલાકાત લઇ પંચાયત તાબાની કચેરીઓની મુલાકાત લઇને રિપોર્ટ કરવાનો રહેશે. ઉપરાંત જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ અને ફસ્ટ ફ્લોરમાં આવેલા સેનીટેશન બ્લોકનું રિપેરીંગ કરવા સહિતના ઠરાવો કારોબારી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ ઠાકોરે સામાજિક કારણસર રાજીનામું આપ્યા બાદ કારોબારી સમિતિની બેઠક સોમવારે મળી હતી. તેમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે અનિલ પટેલની નિમણુંક સમિતિએ સર્વાનુમતે કરી હતી. જોકે નવ માસના લાંબા વિરામ બાદ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નિયત કરેલા એજન્ડા ઉપર કામગીરી કરી હતી. તેમાં જિલ્લા પંચાયતની કામગીરીના ભાગરૂપે પરિપત્રો તેમજ ઠરાવો સહિતના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કઢાવવાની થાય છે.
જોકે તેના માટે બહારથી ઝેરોક્ષ કઢાવવામાં આવતી હતી. આથી બંધ ઝેરોક્ષ મશીનની જગ્યાએ નવીન ઝેરોક્ષ મશીનની ખરીદી કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ કર્મચારીઓ તેમજ મુલાકાતીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે નવીન આરઓ પ્લાન્ટનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો.
વધુમાં જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ અને ફસ્ટ ફ્લોર ઉપર આવેલા સંડાસ અને બાથરૂમનું રિપેરીંગ કરવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો. ઉપરાંત કારોબારી સમિતિના કાર્યકારી અધ્યક્ષ અનિલ પટેલે જણાવ્યું છે કે જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા પંચાયત હસ્તકની આવેલી કચેરીઓની મુલાકાત દર મહિને કરવામાં આવે તેવો પ્રસ્તાવ રજુ કર્યો હતો.
તેમાં જિલ્લા પંચાયતના દરેક શાખાના ક્લાસ-1 અને 2ના અધિકારીઓ દર મહિને એક ગામની મુલાકાત કરીને તેનો રિપોર્ટ આપે તેવો ઠરાવ કર્યો હતો. જિલ્લા પંચાયતમાં કેન્ટીન માટે જગ્યા ફાળવવી. ચારેય તાલુકાના વિકાસ અધિકારીઓને એક માસમાં તમામ સદસ્યોના વિકાસના કામો પૂર્ણ કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.