પુન્દ્રાસણ ગામમાં આસપાસમાં રહેતા લોકો વચ્ચે રસ્તામાં બાઇક ધોવા બાબતે મારામારી થઇ હતી. ઘરની નજીક પશુઓને ખવડાવવાનો ચારો લાવ્યા પછી બાઇક ધોતા તેનુ પાણી ઘાસચારામાં જતુ હતુ. જેથી બાઇક નહિ ધોવાનુ કહેતા એકદમ ઉશ્કેરાઇ જતા મારામારી કરી હતી. જેથી ચાર લોકો સામે પેથાપુર પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ તેજલબેન માસંગજી ઠાકોર (રહે, પુન્દ્રાસણ) ઘરકામ કરે છે.
ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, આજે સોમવારે સવારના સમયે ઘરે હતા અને ભેંસો માટેનો ઘાસચારો લાવ્યા હતા તેને ખાલી કરીને ઘરમાં ભરવામાં આવી રહ્યો હતો. તે સમયે પડોશમાં રહેતા સંજય રામાજી ઠાકોર તેનુ બાઇક ઘાસચારા પાસે ઉભુ રાખવામાં આવ્યુ હતુ. તે સમયે બાઇકને પાણીથી ધોવામાં આવી રહ્યુ હતુ. જેથી બાઇક ધોવાનુ પાણીનો રેલો ઘાસચારા નીચે આવી રહ્યો હતો. ચારો બગડતો હોવાથી કહેવામાં આવ્યુ હતુ કે, બાઇકને થોડીવાર પછી ધોવાનુ કહ્યુ હતુ. જેથી સંજય એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમારાથી થાય તે કરી લો, હુ અહિયા જ બાઇક ધોઇશ. તેમ કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.
જેથી સંજયનો પક્ષ લઇને તેનો ભાઇ હેમાજી અને રામાજી તથા તેના પિતા રામાજી કચરાજી લાકડીઓ લઇને આવ્યા હતા. જેમાં સંજયે તેજલની માતા પુરીબેનને માથામાં લાકડી મારતા ઇજાઓ થઇ હતી. ઝઘડો મોટો થતા તેના પતિ સુનિલ ઠાકોર અને મનુજી ઠાકોર બચાવવા દોડી આવ્યા હતા અને વધુ લોકો એકઠા થઇ જતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં લઇ જવાયા હતા. આ બનાવને લઇ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે બાઇક અહીંયા ધોવાનું કહ્યું હતું. જ્યારે બાઇક મોડેથી ધોવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને મારામારી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.