દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરાયેલી આયુષ્માન યોજના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આયુષ્યમાન યોજનાનો હેતુ ઓછી આવક ધરાવતા લોકો માટે નિઃશુલ્ક આરોગ્ય વીમા પ્રદાન કરવાનો છે. ગુજરાતમાં 2018થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ 1 કરોડ 67 લાખ 38 હજાર 600 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. જ્યારે દાવા ચૂકવણીના સંદર્ભે 6589 કરોડની દાવા-નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત ગુજરાત અંદાજીત 34 લાખ જેટલા ક્લેમ્સ (દાવા) સાથે દેશભરમાં ચોથા ક્રમાંકે છે.
ગરીબોના આરોગ્ય માટે રાજ્ય સરકાર કટિબદ્ધઃ આરોગ્ય મંત્રી
ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના જરૂરીયાતમંદ લોકોને આયુષ્માનકાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો છે. રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર આકસ્મિક બીમારીના કારણે ખર્ચ કરવામાં દેવાદાર ન બને તેની ચિંતા સરકારે કરી છે. આવનારા સમયમાં આયુષ્માન યોજના અંતર્ગત મળતા 5 લાખના વીમા કવચને વધારીને 10 લાખ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાંકે
આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીની વાત કરીએ તો ગુજરાતમાં અંદાજીત 34 લાખ જેટલા ક્લેઈમ (દાવા) સાથે દેશભરમાં ચોથા ક્રમાંકે છે. જ્યારે દાવા ચૂકવણીના સંદર્ભે 6589 કરોડની દાવા-નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. રાજ્યમાં 1.67 કરોડ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી ફાયદો થયો છે. આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે.
રાજ્યમાં આરોગ્ય વીમા કવચનો વ્યાપ વધ્યો
ગુજરાત સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય (આયુષ્માન યોજના) અને મા યોજનાનું સંકલન કરીને PMJAY-મા યોજના અમલી બનાવી છે. જેના પરિણામે રાજ્યમાં આરોગ્ય વીમા કવચનો વ્યાપ પણ વધ્યો છે. હાલ ગુજરાતમાં 1974 સરકારી અને 853 ખાનગી એમ કુલ 2827 જેટલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિ:શુલ્ક પણે ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.