પાટનગરમાં પગારની પળોજણ:સિવિલના નર્સિંગ સ્ટાફ અને મધ્યાહન ભોજન તેમજ મનપાના સફાઇ કર્મચારીઓની દિવાળી પૂર્વે વેદના

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મધ્યાહન ભોજનના યોજનાના કર્મચારીઓ ન્યાય માટે લડત તરફ. - Divya Bhaskar
મધ્યાહન ભોજનના યોજનાના કર્મચારીઓ ન્યાય માટે લડત તરફ.

દિવાળીનો તગૃહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સ્વાભાવિક રીતે જ તેમના હાથમાં દિવાળીના પર્વ નિમીત્તે અપાતા પગાર તેમજ બોનસ કે અન્ય ભથ્થાં અને મ‌ળવાપાત્ર અન્ય લાભોની રકમ સમયસર મળી જાય તેવી આશા હોય જ. આવી આશા રાખતા સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને અવારનવાર સાતમા પગાર પંચનો લાભ આપવા માગણી છતા લાભ મળ્યો નથી તો બીજી તરફ 37 વર્ષથી નજીવા વેતનથી ફરજ બજાવતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને પણ હાલમાં મળતા વેતનમાં કોઈ વધારો અપાયો નથી જ્યારે મનપામાં સફાઈ કામદારોના પગારમાંથી અમુક રકમ કપાઈ જતા આ તમામ કર્મચારીઓમાં દિવાળી પહેલા જ એક પ્રકારની વેદના સાથે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાય માગે છે.

નર્સિંગ સ્ટાફ 7મા પગાર પંચના લાભોથી હજુ વંચિત
રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ કર્યો હોવા છતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓને સાતમા પગારપંચ તેમજ એરયર્સના લાભથી વંચિત રાખતા રોષ ઉઠ્યો છે. જોકે જીએમઇઆરએસ સંચાલિત રાજ્યની અમુક કોલેજોના નર્સિંગ સ્ટાફને તમામ લાભો આપવામાં આવ્યા છે. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને વંચિત રાખતા અનેક સવાલો કર્મચારીઓમાં ઉઠી રહ્યા છે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી દ્વારા સંચાલિત તબિબો અને નર્સિંગ સ્ટાફના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ સહિતના મુદ્દે ચારેક મહિના અગાઉ તબિબો અને નર્સિંગ સ્ટાફે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. આથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મધ્યરાત્રીએ તબિબો અને નર્સિંગ કર્મચારીઓના લીડરોની સાથે બેઠક કરીને તમામ માંગણીઓ મંજુર કરી હતી. ઉપરાંત બીજા દિવસે સાતમા પગારપંચનો લાભ આપવો, સાતમા પગારપંચનું એરિયર્સ તેમજ નર્સિંગ કર્મચારીઓને પ્રમોશન, નર્સિંગ એલાઉન્સ, સાતમા પગારપંચનું એરિયર્સ, સાતમા પગારપંચનો લાભ સહિતના લાભો આપવાની કામગીરી એક માસમાં પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો. જોકે રાજ્યના આરોગ્ય વિભાગના આદેશને પગલે જીએમઇઆરએસ સંચાલિત અમુક કોલેજોએ અમલવારી કરીને નર્સિંગ કર્મચારીઓને આદેશ મુજબ મળવાપાત્ર લાભો આપી દેવામાં આવ્યા છે. જીએમઇઆરએસ સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓને સાતમા પગારપંચ, સાતમા પગારપંચના એરિયર્સ, નર્સિંગ એલાઉન્સ, સીપીએફ, સહિતના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. આથી સિવિલ હોસ્પિટલના વહિવટી તંત્ર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગના આદેશનું પાલન કરવામાં લાપરવાહી દાખવી રહ્યું હોય તેવા આક્ષેપો નર્સિંગ કર્મચારીઓએ કર્યા છે. ઉલ્લેખનીય છે કે નર્સિંગ કર્મચારીઓને દર મહિને રૂપિયા 1700 એલાઉન્સ આપવામાં આવે છે. નર્સિંગ કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવાથી વંચિત રાખતા કર્મચારીઓની દિવાળી બગડશે તેમ નર્સિંગ કર્મચારીઓએ જણાવ્યું છે.

37 વર્ષથી કર્મચારીઓના વેતનમાં વધારો થયો નથી
છેલ્લા 37 વર્ષથી નજીવા વેતનમાં જ ફરજ બજાવતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. ત્યારે કારમી મોંઘવારીને ધ્યાનમાં રાખીને લઘુત્તમ વેતનધારા મુજબ કર્મચારીઓને પગાર આપવાની માંગણી સાથે મધ્યાહન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળ (સુચિત) દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન આપતી મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક, રસોઇયા, મદદનીશ સહિતના કર્મચારીઓને માસિક રૂપિયા 300થી રૂપિયા 1600નું વેતન આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજનામાં મુખ્યત્વે વિધવા, ત્યક્તા અને શિક્ષિક બેરોજગાર ભાઇઓ અને બહેનો ફરજ બજાવી રહ્યા છે. જોકે કારમી મોંઘવારીમાં પણ કર્મચારીઓના વેતનમાં કોઇ જ વધારો નહી થતાં આર્થિક સ્થિતિ કફોડી બની છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકારે સમયાંતરે માનદ વેતનમાં વધારો કરાયો છે. પરંતુ તેમાંથી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને બાકાત રાખીને અન્યાય કરાયાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. માસિક વેતનમાં વધારાની માંગણી સાથે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ સોમવારે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસ કર્યો હતો. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને લઘુત્તમ વેતન ધારા મુજ માનદ વેતન આપવું. વેતન વધારા મામલે પ્રતિનિધિ મંડળના આગેવાનો સાથે મંત્રણા કરવી. વેતન વધારા માટે ઉપવાસ આંદોલનની મંજુરી આપવાની માંગણી સાથે ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી હોવાનું પ્રફુલભાઇ વાવેચાએ જણાવ્યું છે.

સ્માર્ટવોચના આધારે કામદારોના પગાર કપાયા
ગાંધીનગર મહાનગરપાલિકામાં એજન્સીઓ મારફતે કામ કરતાં સફાઈ કામદારોના પગારમાં કપાત થતાં રોષ વ્યાપી ગયો છે. દિવાળી નજીક છે ત્યારે આ પ્રકારે પગાર કાપતા સફાઈ કામદારો મનપામાં અધિકારીને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. જેેમા સ્માર્ટવોચના આધારે કામદારોના પગાર થયો હોવાનું જાણવા મળ્યું હતું.

આખો મહિનો શહેરમાં સફાઈ કરનાર અનેક કામદારોમાં ખાતામાં માંડ 2 હજાર, અઢી હજાર, પાંચ હજાર જેવા પગાર જ આવ્યો હોવાની રાવ ઉઠી છે. સામાન્ય રીતે સફાઈ કામદારોનો પગાર 9-10 તારીખે થઈ જતો હોય છે પરંતુ આ વખતે નવરાત્રિ પૂર્ણ થવા આવી ત્યારે 15મીએ સાંજે છેક કામદારોનો પગાર થયો હતો. દિવાળી નજીક છે ત્યારે આવેલો પગાર કામ આવશે તેવી માનીને ખૂશ થયેલા અનેક કામદારોએ બેલેન્સ ચેક કરતાં નિરાશા સાંપડી હતી. એક પછી એક અનેક કામદારોના પગાર કપાયા હોવાની ખબર પડતાં ધીરે-ધીરે રોષ વધતો ગયો હતો. રજાઓને પગલે સોમવારે કામદારો રજૂઆત માટે કોર્પોરેશન દોડી ગયા હતા. જેમાં કામદારોએ દિવાળી બગડશે તેવી રજૂઆત કરતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે જે રીતે સફાઈ કામદારોના રોષ છે તે જોતા જો તેઓનો પગારના મુદ્દે નહીં ઉકેલાય તો દિવાળી ટાણે જ ગાંધીનગરમાં હડતાળના મંડાણ થાય તો નવાઈ નહીં.આમ મનપામાં કામ કરતા સફાઈ કામદારોને હાલમાં આવો અન્યાય થયો છે.

અન્ય સમાચારો પણ છે...