કાર્યવાહી:ચિલોડા સોલંકી પૂરા પાટીયા નજીકથી કારમાંથી 782 લીટર દેશીદારૂ ઝડપાયો, ચાલક નાટયાત્મક રીતે કાર મૂકીને ફરાર

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડની સાઈડમાં કાર બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી

ગાંધીનગર ચિલોડા હાઇવે રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર જતી સેન્ટ્રો કારનો સોલંકીપુરા પાટીયા સુધી પીછો કરીને ચિલોડા પોલીસે કારમાંથી 782 લીટર દેશી દારૂ ઝડપી લઈ કુલ રૂ. 2 લાખ 18 હજાર 640 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસ પીછો કરતી હોવાથી કારનો ચાલક સોલંકી પૂરા પાટીયા પાસે કાર મૂકીને નાટયાત્મક રીતે નાસી જવામાં સફળ રહ્યો હતો.

હાઇવે પરથી દારૂની હેરાફેરી કરવાનો સરળ રસ્તો ખુલ્લો થયો

રાજય સરકાર દ્વારા મિની લોકડાઉન ઉઠાવી લેવામાં આવતા બુટલેગરોને દેશી વિદેશી દારૂની હેરાફેરી કરવા મોકળું મેદાન મળી ગયું છે. ગાંધીનગરનાં ચિલોડા હિંમતનગર હાઇવે પરથી દારૂની હેરાફેરી કરવાનો સરળ રસ્તો ખુલ્લો થઈ જતાં બુટલેગરો બેફામ બની ગયા છે. ત્યારે ચિલોડા પોલીસ મથકની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં નીકળી હતી તે વખતે મોટા ચિલોડા તરફ પૂરપાટ ઝડપે સેન્ટ્રો કાર (GJ01BK7887) પસાર થઈ રહી હતી.

પોલીસે વાહનોમાં કારનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરી દીધો

અચાનક કાર પૂરપાટ ઝડપે પસાર થતા પોલીસને શંકા ગઈ હતી. જેનાં પગલે પોલીસે વાહનોમાં કારનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરી દીધો હતો. જ્યાં સોલંકી પુરાના પાટીયા પાસે રોડની સાઈડમાં કાર બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી હતી. બાદમાં અંધારું તેમજ વાહનોની અવરજવર હોવાના કારણે પોલીસ કારને લઈને ચિલોડા પોલીસ મથકે આવી હતી.

દેશી દારૂની પુષ્કળ વાસ આવી રહી હતી

જ્યાં કારની તલાશી લેતા તેમાંથી દેશી દારૂની પુષ્કળ વાસ આવી રહી હતી. પોલીસને પ્લાસ્ટિકના મેણીયાની થેલી ચેક કરતા અંદરથી દેશી દારૂની 391 કોથળીનો જથ્થો મળી મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે એક દારૂની કોથળી ની કિંમત રૂ.20 ગણીને કુલ 782 લીટર દેશી દારૂ, મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ 2 લાખ 18 હજાર 640 નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. જ્યારે રાત્રીના અંધકારમાં નાટયાત્મક રીતે કાર મૂકીને નાસી ગયેલા અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...