રમકડાનું દાન:ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યૂનિવર્સિટી દ્વારા ગરીબ બાળકો માટે 5500 રમકડાંનું દાન કરાયું, લિમ્કા બુક ઑફ રેકોર્ડ માટે દાવો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • ગાંધીનગર જિલ્લામાંથી રમકડાં એકત્ર કરવા ચલાવાઈ હતી ટૉય ડોનેશન ડ્રાઈવ

છેવાડાનાં ગરીબ બાળકો પણ રમકડાંથી રમતાં-રમતાં શીખી શકે તે હેતુથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા સાડા પાંચ હજાર રમકડાનું દાન કરાયું છે. આ સાથે યુનિવર્સિટીએ દેશમાં સૌ પ્રથમ એક જ દિવસમાં, એક જ સ્થળ પર આટલાં બધાં રમકડાં દાન કર્યા હોવાનો રેકોર્ડ સર્જ્યો છે. જે અંગે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં સત્તાવાર અરજી પણ કરવામાં આવી છે.

ઘરોમાં પડી રહેતાં બિનઉપયોગી રમકડાં ગરીબ બાળકો સુધી પહોંચાડવા માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહની પ્રેરણાથી, કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં ટૉય ઈનોવેશન ડિપાર્ટમેન્ટ તેમજ સમાજકાર્ય વિભાગ દ્વારા મેગા ટૉય ડોનેશન ડ્રાઈવ શરૂ કરાઈ હતી. સતત 51 દિવસ ચાલેલી ડ્રાઈવમાં સાડા પાંચ હજાર જેટલાં રમકડાં એકત્ર કરાયાં છે.

આ તમામ રમકડાં ડોનેશનમાં આપવાનો કાર્યક્રમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો . જેમાં જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્ય, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ભરત વાઢેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી શાળાઓ તેમજ વિવિધ એન.જી.ઓ. પણ જોડાઈ હતી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા એક જ સ્થળેથી આટલી વિશાળ સંખ્યામાં રમકડાં દાન થયા હોવાની ખાતરી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરાઈ હતી. આ સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ દેશમાં પહેલીવાર “લાર્જેસ્ટ ડોનેશન ઑફ ટૉય્ઝ : સિંગલ ડે, સિંગલ વેન્યૂ” પર થયાનો રેકોર્ડ સર્જ્યો હોવાનો દાવો પણ લિમ્કા બુક ઑફ રેકોર્ડ સમક્ષ કર્યો છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, બિનઉપયોગી પડી રહેતાં રમકડાંને છેવાડાના બાળકો સુધી પહોંચાડવાનો વિચાર અને તેના માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ કરેલા પ્રયત્નો સરાહનીય છે. જ્યારે કુલપતિ હર્ષદભાઈ શાહે કહ્યું કે, આ તમામ રમકડાં એન.જી.ઓ. અને સરકારી શાળાઓના માધ્યમથી ગરીબ બાળકો સુધી પહોંચાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વાઢેરે પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...