સેક્ટર-11 ખાતે આવેલા પરોઠા શાકની લારી પરથી એક બાળ મજૂરને રેસ્ક્યુ કરાયો હતો. ગાંધીનગર લેબર ઓફીસરે બાળકને મુક્ત કરાવીને 11 વર્ષના આ બાળકને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો. આ અંગે મળેલી માહિતી મુજબ સેક્ટર-11 અખબાર ભવન પાસેના ભોલેનાથ પરોઠા શાક નામે લારી આવેલી છે.
લારી પર એક બાળ શ્રમિકને રખાઈને તેની પાસે બહુ કામ લેવાતું હતું અને ખરાબ વર્તન પણ કરાતું હતું. જે અંગે ફરિયાદ મળતા જ ગાંધીનગર લેબર ઓફીસર, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, ડિસ્ટ્રીક્ટર ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટના લીગલ ઓફીસર, પોલીસ સહિતના ટીમ તાત્કાલિક સેક્ટર-11 ખાતે પહોંચી ગઈ હતી. જેમાં પરોઠા શાકની લારી પર કામ કરતું 11 વર્ષનું બાળક મળી આવ્યું હતું.
મળેલી માહિતી મુજબ અધિકારીઓએ બાળકને પૂછ્યું ત્યારે બાળક છેલ્લા ચારેક દિવસથી કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. પરોઠા શાકની લારીનો માલિક વતન રાજસ્થાન ગયો હોવાથી બાળકને કેટલા પગારે રખાયો તે અંગે કઈ વિગતો સામે આવી ન હતી. ત્યારે હાલ તો લેબર ઓફીસર દ્વારા બાળકને બચાવીને બાળ સરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો. સમગ્ર મુદ્દે બાળકની ઉંમરની તપાસ સહીતની જરૂરી પ્રક્રિયા બાદ ફરિયાદ થાય તેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.