અકસ્માત:રાંદેસણ ચોકડી નજીક 2 કાર અથડાતાં બાળકીને ઈજા, અકસ્માત વધતા સ્પીડબ્રેકર મૂકવા રજૂઆત

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાંદેસણ ચોકડી ખાતે રવિવારે સવારે બે કાર વચ્ચે અકસ્માતમાં નાની બાળકીને ઈજા થઈ હતી. રાંદેસણની કાસારીયો સોસાયટી ખાતે રહેતાં વિશ્વનાથ રમેશચંદ્ર પટેલ પત્ની અને સવા વર્ષની દીકરીને કારમાં લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા. આ સમયે રાંદેસણ એક્સીસ બેંક પાસેના ચાર રસ્તા પાસે સવા દશ વાગ્યાના સુમારે અન્ય એક કારે તેમની કારને ટક્કર મારી હતી. જેમાં યુવકની બાજુમાં બેઠેલા પત્ની અને દીકરી બંને તેમની બાજુ ઉછળીને આવ્યા હતા.

જેમાં સવા વર્ષની બાળકીને મોઢાના ભાગે ઈજા થઈ હતી જ્યારે મહિલાને બેઠોમાર વાગ્યો હતો. જેને પગલે સમગ્ર મુદ્દે યુવકે GJ-01-RY-3875 નંબરની કારના ચાલક સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ન્યૂ ગાંધીનગર વિસ્તાર એવા રાંદેસણમાં અનેક સોસાયટીઓ બનતા વાહનોની અવર-જવર વધી છે. જેને પગલે રાંદેસણ ચોકડી ખાતે ઘણીવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. બીજી તરફ ચોકડી પર સ્પીડ બ્રેકર ન હોવાને પગલે નાના-મોટા અકસ્માત થતા રહે છે. ત્યારે કોઈ ગમખ્વાર અકસ્માત સર્જાય તે પહેલાં સ્પીડ બ્રેકર મુકવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...