જીઆઇ ટેગ માટે પ્રક્રિયા શરૂ:વલસાડી હાફૂસ, અમલસાડના ચીકુને હવે જીઆઈ ટેગ મળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉંચા ભાવ મળશે
  • નાબાર્ડે જીઆઇ ટેગ માટે પ્રક્રિયા શરૂ કરી

ભાલિયા ઘઉં અને ગીરની કેસર બાદ હવે ગુજરાતમાં વલસાડની હાફૂસ અને અમલસાડના ચીકુ માટે જીઆઇ ટેગ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. નાબાર્ડ દ્વારા ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હતુથી ગુજરાતની ખાસિયત ગણાતાં આ બન્ને પાક માટે જીઆઇ ટેગિંગ મેળવવામાં આવશે. જીઆઇ ટેગ પ્રાપ્ત થયાં બાદ વલસાડમાં હાફૂસ કેરી અને અમલસાડમાં ચીકું પકવતાં ખેડૂતોની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત થશે અને તેના એક્સપોર્ટ માટેનું બજાર પણ મોટા પ્રમાણમાં ખુલશે.

નાબાર્ડના ગુજરાત પ્રદેશના ચીફ જનરલ મેનેજર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જ્ઞાનેન્દ્ર મણિએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે જે-તે પ્રદેશમાં ખાસ યુનિક હોય તેવાં પાકને જીઆઇ રજિસ્ટ્રેશન મળે તે માટે પ્રયત્નશીલ છીએ અને આ બન્ને ખેત ઉત્પાદનો માટે અમે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ટેગ મળ્યા બાદ ખેડૂતો તેમની જીઆઇ ટેગ ધરાવતી પેદાશો ઊંચા દામે આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચી શકશે અને તેને એક નવી ઓળખ પણ પ્રાપ્ત થશે.

મણિએ કહ્યું કે આ બન્ને ખેત પેદાશો ઉપરાંત અહીંના ગ્રામીણ કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી અમે જસદણની પટારીનું જીઆઇ ટેગિંગ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી છે. ખેતી ઉપરાંત હસ્તકલાના નમૂનાને પણ આંતરરાષ્ટ્રીય બજારો મળવા જરૂરી છે જેથી ગ્રામીણ જનતાનું જીવનધોરણ ઊંચુ આવી શકે.

જીઆઇ ટેગ શું છે
જીઆઇ ટેગ એટલે કે જ્યોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન. આ ટેગ એવી વસ્તુઓને મળે છે જે અમુક ચોક્કસ વિસ્તાર કે સ્થળ સાથે સંલગ્ન હોય અને ત્યાંની યુનિક વસ્તુ હોય અને ત્યાં જ બનતી હોય. ભારતમાં કુલ 350 વસ્તુઓ જીઆઇ ટેગ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...