એફિડેવિટ સાચી કે મુખ્યમંત્રી સાચા?:મુખ્ય સચિવ સુપ્રિમમાં કહે છે, ‘કેન્દ્ર ઓછો ઓક્સિજન આપે છે’ તો CM રૂપાણી કહે છે, ‘કેન્દ્રએ ઓક્સિજનની અછત વર્તાવા દીધી નથી’

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંથી અવારનવાર ઓક્સિજન ભરેલી ટ્રેનને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાતમાંથી અવારનવાર ઓક્સિજન ભરેલી ટ્રેનને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે - ફાઇલ તસવીર
  • મુકીમની તા. 7મી મેની એફિડેવિટ પ્રમાણે કેન્દ્ર ગુજરાતને જરૂર કરતા 425 ટન ઓકિસજન ઓછો આપે છે

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સુપ્રિમ કોર્ટમાં સોગંદનામાં પર રજૂ કરાયેલા જવાબને જુઠ્ઠો પાડતું નિવેદન કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું દઢપણે જણાવ્યું હતું કે, કોરોનાના બીજા વેવમાં કેન્દ્ર સરકારે ઓકિસજન, ઇન્જેકશન અને દવાઓની અછત વર્તાવા દીધી નથી, આ માટે ગુજરાત હંમેશા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનું આભારી રહેશે. ગુજરાત સરકારના જ મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રિમ કોર્ટમાં સરકાર વતી જવાબમાં સ્વીકાર્યું હતું કે, કેન્દ્ર 425 મેટ્રીક ટન ઓછો ઓકિસજન ગુજરાતને પુરો પાડી રહીં છે. એક જ સરકારના એક વહીવટી વડા અને બીજા સરકારના વડાના આ પ્રકારના જવાબથી વાસ્તવમાં સાચું શું ? તે પ્રશ્ન ઉભો થયો છે.

સુપ્રિમમાં રજૂ કરેલી એફિડેવિટની તસવીર
સુપ્રિમમાં રજૂ કરેલી એફિડેવિટની તસવીર

મુખ્ય સચિવેે સુપ્રીમમાં આ જવાબ રજૂ કર્યો
મુખ્ય સચિવ અનિલ મુકીમે 7 મે,2021ના રોજ એફીડેવિટ કરી તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, ગુજરાતને હાલમાં 1400 મેટ્રીક ટન ઓકિસજનની જરૂરિયાત છે, જેની સામે કેન્દ્ર સરકાર 975 મેટ્રીક ટન ઓકિસજનનો જથ્થો પુરો પાડે છે, એટલે કે કેન્દ્ર 425 મેટ્રીક ટન જથ્થો ઓછો પુરો પાડે છે. હાલની જરૂરિયાત તા. 15મી મે સુધીમાં વધીને 1600 મેટ્રિક ટને પહોંચશે તેવી પણ સ્પષ્ટતા કરાય છે. ગુજરાતમાં ઓકિસજનની જરુરિયાત એટલી વધી ગઇ છે કે માગ સામે પુરવઠો ઓછો છે, પરિણામે ઓકિસજનની સુવિધા આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા 11500 બેડ ઉપલબ્ધ હોવા છતા તેની પર દર્દીને એડમિશન આપી શકતા નથી.

વધુ 3 ઓક્સિજન ટ્રેન દિલ્હી રવાના
ગુજરાતના હાપા અને મુંદ્રાથી સતત પાંચમા દિવસે વધુ ત્રણ ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી માટે રવાના કરવામાં આવી છે. શનિવારે આ ત્રણ ટ્રેન દ્વારા 15 જેટલા ટેંકરમાં 294 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 12 ઓક્સિજન ટ્રેનમાં 1029 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...