સામાન્ય સભા:શહેરમાં મિલકત ટ્રાન્સફર ફી લાગુ પડવા સાથે ઢોરના દંડમાં વધારો થશે!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાફ્ટ ટીપી સ્કીમની દરખાસ્ત રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવા નિર્ણય લેવામાં આવશે
  • ગુરુવારે સામાન્ય સભાની મંજૂરી મળતાં નિયમો લાગુ પડશે

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા 21 એપ્રિલ ગુરૂવારના રોજ મળશે. ગુરૂવારે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે સભા યોજાશે. મળેલી માહિતી મુજબ સામાન્ય સભામાં મિલકત ટ્રાન્સફર ફી, ઢોર માટેના દંડમાં વધારો, વોટર અને ડ્રેનેજ કનેક્શન આપવા અંગેની નિતી સહિતના મુદ્દે મંજૂરીની મહોર મારવામાં આવશે. કોર્પોરેશનમાં 44માંથી 41 સભ્યો ભાજપના હોવાથી દરખાસ્તોની મંજૂરી માટે હાલની બોડીને વધુ કોઈ માથાકૂટ કરવી પડતી નથી.

શહેરમાં હવે મિલકતના ટ્રાન્સફરની અરજીઓ પર ફી લાગુ પડશે. જેમાં રહેણાંક મિલકતોમાં 0.030 ટકા એટલે કે 1 લાખે 30 રૂપિયા અને બિનરહેણાંક મિલકતોમાં 0.060 ટકા એટલે કે એક લાખે 60 રૂપિયા ફી રાખવા માટે કમિશનરની ભલામણને સ્થાયી સિમિતિએ મંજૂરી આપેલી છે, હવે ગુરૂવારે સામાન્ય સભામાં મંજૂરી બાદ આગામી સમયે ફી લાગુ પડી જશે તે નક્કી છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા પશુઓના દંડમાં વધારો કરવા અંગે પણ મંજૂરી કરાશે. જે હવે પ્રથમ વખત નક્કી કરેલો દંડ બીજી વખત ડબલ દંડ અને ત્રીજી વખત ઢોરને સીધા પાંજરાપોળ મુકી અવાશે.

ગાય, ભેંસ, બળદ, ઉંટ, ઘોડા જેવા પશુઓમાં દંડ, વહીવટી ખર્ચ અને ખાધા ખોરાકી મળી કુલ 4 હજાર વસૂલાશે. બીજી વખતના કિસ્સામાં 7 હજારની વસૂલાત કરાશે. ઘેંટા-બકરામાં પ્રથમ વખત 1200 અને બીજી વખત 2200 વસૂલ કરવાની તૈયારી કરાઈ છે.શહેરમાં રાંધેજા-પેથાપુર વિસ્તારમાં ટીપી-24ની તૈયાર કરેલ દખાસ્તની પ્રસિદ્ધિ કરવા તથા પ્રસિદ્ધિ બાદ આવેલા વાંધા-રજૂઆતો અંગે નિર્ણય લેવા તથા ડ્રાફ્ટ ટીપી સ્કીમની દરખાસ્ત રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલી આપવા માટે નિર્ણય લેવાશે.

ટાઉન પ્લાનર, જૂનિયર ટાઉન પ્લાનર, પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સર્વેયરની ભરતી-બઢતી નિયમોને મંજૂરી આપવા અંગે કમિશનર તરફથી આવેલી ભલામણ અંગે સામાન્ય સભામાં નિર્ણય લેવાશે. આમ શહેરમાં હવે મિલકત ટ્રાન્સફર ફી લાગુ પડવા સાથે ઢોરના દંડમાં વધારો કરવામાં આવશે.

નવા મહેકમ માળખા અંગે હજુ પણ જોવા મળતી અસમંજસની સ્થિતિ!
28 ફેબ્રુઆરીના રોજ મળેલી સ્થાયી સમિતિમાં નવા મહેકમ માળખાની દરખાસ્ત ઉગ્ર ચર્ચા વચ્ચે મુલતવી રાખવામાં આવી હતી. તે સમયે જુના કર્મચારીઓને અન્યાય થતો હોવાની વાતને લઈને કેટલાક સભ્યો દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. જોકે 24 માર્ચે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં નવા મહેકમ માળખાને છેલ્લી ઘડીએ પુરવણી દરખાસ્તમાં મુદ્દો રજૂ કરી દેવાયો હતો. જેને પગલે જૂના કર્મચારીઓમાં ભારે અસંતોષ છે. જેને પગલે સામાન્ય સભામાં નવા મહેકમ માળખાનો મુદ્દા લેવાયો નથી. જોકે છેલ્લી ઘડીએ કઈ રીતે અને ક્યાં મુદ્દો એડ કરાયા છે, જે જોવાનું રહે છે.

વિકાસ પરવાનગીની ફીના હપતા કરી આપવામાં આવશે
આ ઉપરાંત વિકાસ પરવાનગી માટે ભરવા પાત્ર થતી ફી અંગે નાણાના હપ્તા કરી આપવા અંગે નિર્ણય લેવાશે. મનપા વિસ્તારમાં પાર્કિંગ પોલિસીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવા અંગે કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂરી અપાશે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અંતર્ગત સફાઈ કર્મચારીઓને મહેનતાણું ચુકવણું કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણની મંજૂરી અપાશે. કોર્પોરેશન વિસ્તારમાં વોટર કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન આપવા અંગેની નીતિ મંજૂર કરવા અંગે પણ નિર્ણય લેવાશે. છેલ્લાં કેટલાંક સમયથી ગાંધીનગર તેમજ શહેરની આસપાસના વિસ્તારોમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેના કારણે મનપા દ્વારા તેને લઈને નવુ આયોજન કરવામાં આવી રહ્યુ છે અને જે તે વિસ્તારોનો વિકાસ થાય છે તેને ધ્યાનમાં રાખી નિયમાનુસાર પરવાનગી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...