ધોળા દિવસે લૂંટ:કલોલ પાનસર રોડ ઉપર કારને પંક્ચર પડયું, પરિવારજનો નીચે ઉતર્યાને મહિલાના ગળામાંથી દોરાની તફડંચી થઈ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 70 હજારની લૂંટ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર રોડ વડાવ સ્વામી ફાટક ફાટક નજીક કારને પંક્ચર પડતાં કારને સાઈડમાં ઉભી રાખી પરિવારજનો નીચે ઉતર્યા હતા. એજ અરસામાં બાઈક ઉપર આવેલા ચેઇન સ્નેચરો મહિલાના ગળામાંથી પોણા બે તોલાનો 70 હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના મોટેરા ખાતે રહેતા પુષ્પાબેન પંચાલનાં પરિવારમાં પતિ અને બે દિકરા છે. કલોલના પાનસરમાં સામાજિક પ્રસંગ હોવાથી ગઈકાલે પુષ્પાબેન તેમના પતિ અને બે દિકરા સાથે કારમાં ઘરેથી પાનસર આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ઈસંડ થી પાનસર તરફ જતા વડાવસ્વામી ફાટક નજીક પહોંચતા જ કારમાં પંક્ચર પડયું હતું.

આથી કાર રોડની સાઈડમાં ઉભી રાખી પરિવારજનો કારમાંથી નીચે ઉતર્યા હતા. જ્યારે પુષ્પાબેનનો દીકરો અને તેનો મિત્ર કારનું ટાયર બદલતા હતા. જ્યારે પુષ્પાબેન રોડની સાઈડમાં ઉભા હતા. એ દરમ્યાન કલોલ તરફથી એક બાઈક ઉપર બે ચેઇન સ્નેચરો એકદમ નજીક આવ્યા હતા. અને બાઈકની પાછળ બેઠેલા ઈસમે પુષ્પાબેનનાં ગળામાંથી પળવારમાં પોણા બે તોલાનો સોનાનો દોરો તોડી લીધો હતો.

બાઇક ચાલક ઈસમે બાઈક પૂરપાટ ઝડપે હંકારી મૂક્યું હતું. આથી પરિવારજનોએ બૂમાબૂમ કરતા એક રાહદારી બાઈક ચાલકે ચેઇન સ્નેચરોનો પીછો પણ કર્યો હતો. જો કે 25 થી 30 વર્ષની ઉંમરનાં ચેઇન સ્નેચરો છત્રાલ તરફ ભાગી ગયા હતા. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...