રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો:ગાંધીનગરના એપોલો સર્કલ નજીક કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત, રિક્ષામાં સવાર સીબીઆઇનાં હેડ કોન્સ્ટેબલનું મોત

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલકત્તાથી સરકારી કામ અર્થે ગાંધીનગર ઓફિસ આવતી વખતે મધરાત્રે હેડ કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો
  • 17 વર્ષનાં સગીર રીક્ષા ચાલકને પણ ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ, કાર ચાલક ફરાર

અમદાવાદથી ગાંધીનગર તરફ આવતાં હાઇવે રોડ પર એપોલો સર્કલ નજીક મધરાત્રે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને રીક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી રીક્ષામાં સવાર સીબીઆઇના હેડ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે 17 વર્ષના રીક્ષા ચાલકને પણ શરીરે નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

CBIના હેડ કોન્સ્ટેબલ કોલકાતા ખાતે ફરજ બજાવતા હતા
ગાંધીનગરના એપોલો સર્કલ નજીક ગઈ મધરાત્રે કારની ટક્કરથી રીક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. તેમજ રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કોલકાતા ખાતે ફરજ બજાવતા સીબીઆઇના હેડ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર બિહારના વતની અરુણકુમાર તિવારી કોલકત્તા ખાતે સીબીઆઇમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.
રીક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી
સરકારી કામ અર્થે અરુણકુમાર અમદાવાદ આવ્યાં હતા. ગાંધીનગર સેક્ટર - 11 ખાતેની કચેરીમાં પણ સરકારી કામ હોવાથી રાત્રિના બાર વાગ્યાના અરસામાં અરુણ કુમાર અમદાવાદ એરપોર્ટ સર્કલથી એક રિક્ષામાં બેસીને ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. તે વખતે એપોલો સર્કલ નજીક હાઇવે રોડ ઉપર કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને રીક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.
કાર ડિવાઇડર પર ચઢી ગઈ
આ અકસ્માતમાં રીક્ષા રોડની સાઈડમાં ઘૂસી ગઈ હતી. જ્યારે કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દઈ કારને ડિવાઇડર પર ચઢાવી દીધી હતી. જેથી કાર બંધ પડી જતાં ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ કારની જોરદાર ટક્કરનાં કારણે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થતાં રાહદારી વાહનચાલકો એકઠા થઈ ગયા હતા અને અરુણ કુમાર અને રીક્ષા ચાલક સોનુ રાજેશભાઇ સિંધીને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી હેડ કોન્સ્ટેબલ અરુણકુમારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક સોનુ સિંધીને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં અડાલજ પોલીસ મથકના પીએસઆઇ એસ આર ડામોર, એ.એસ.આઈ અરવિંદભાઈ તેમજ જમાદાર મહેશભાઈ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં મૃતક પાસેથી મળી આવેલા આઈ કાર્ડના આધારે સીબીઆઇ કચેરીએ જાણ કરવામાં આવતા ગાંધીનગર સીબીઆઇની ટીમ રાત્રે પહોંચી ગઈ હતી. આ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...