દહેગામ મગોડી હાઇવે રોડ પર બેફામ ગતિએ ટ્રકની ઓવરટેક કરવાની લ્હાયમાં કાર ચાલકે પોતાની કાર પરનો કાબુ ગુમાવી દઈ ડિવાઇડર કુદાવી સામેનાં રોડ પરથી પસાર થતી કાર અને ટ્રક સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ કાર ચલાવતા સુઘડનાં યુવાનનું મોત થતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના સાબરમતી ખાતે રહેતો શિવમ અરવિંદભાઈ પટેલ તેના મિત્ર ધવલ અમૃતભાઈ પ્રજાપતિ (રહે. સુઘડ) દહેગામના ઉદણ ગામે ગઈકાલે સવારે જમીન જોવા માટે એસ ક્રોસ કાર લઈને ગયા હતા. જ્યાં શિવમની જમીન જોઈને બપોરના સમયે પરત ઘરે જઈ રહ્યા હતા. એ વખતે કાર ધવલ ચલાવતો હતો.
ત્યારે દહેગામથી ચિલોડા તરફ જતા રોડ ઉપર થઇ પસાર કરી આગળ જઈ રહ્યા હતા. તે દરમ્યાન મગોડી ગામથી આગળ કેશવ હોટલ ધવલે આગળ જતી એક ટ્રક ની ઓવરટેક કરવા જતા ગાડી ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે કાર રોંગ સાઇડમાં ઘૂસી ગઈ હતી. અને પ્રથમ સામે આવતી એક ફોરવ્હીલ ગાડીને ડ્રાઇવર સાઇડે પાછળના દરવાજે ટક્કર મારી મારી હતી. એજ સમયે તેની પાછળ આવતા ડમ્પરને સામેથી ધવલે કાર અથડાવી દીધી હતી.
આ અકસ્માત થતાં ધવલને શરીરે ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયો હતો અને શિવમને પગના ઘુંટણ ઉપર તથા કપાળમાં ઇજાઓ થઇ હતી. અકસ્માતનાં પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. બાદમાં બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ધવલને મૃત જાહેર કર્યો હતો. જ્યારે શિવમ ને વધુ સારવાર અર્થે દાખલ કર્યો હતો. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.