ઉગ્ર રજૂઆત:સરકારમાં રજૂઆતો કરીને થાકી ચૂકેલા ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સમકક્ષ જગ્યા કરવાની માંગ કરનાર ઉમેદવારોની ધીરજ ખૂટતાં નવો રસ્તો અપનાવશે

લોકરક્ષક દળની ભરતી જાહેર કરવામાં આવી હતી, ત્યારથી વિવાદોમાં સપડાઇ છે. પહેલા મહિલા ઉમેદવારો અને પછી પુરુષ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતુ. પુરુષ ઉમેદવારો દ્વારા મહિલા સમકક્ષ ભરતી કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી ઉમેદવારોની માંગણી સ્વિકારવામાં આવી નથી. ત્યારે હવે સરકારમાં રજૂઆતો કરી થાકેલા અને હારેલા ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં સીધા ઉતરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

લોકરક્ષક દળની પરીક્ષામાં મહિલાઓ સમકક્ષ પુરુષ ઉમેદવારોની સંખ્યા વધારવા ઉમેદવારો દ્વારા અનેક વખત સત્યાગ્રહ છાવણીમાં મોરચો માંડ્યો હતો. ઉમેદવારો દ્વારા આકરી બાધાઓ પણ રાખવામાં આવી હતી. ગૃહમંત્રી દ્વારા માનતા રાખનાર ઉમેદવારોને પારણા કરાવવામાં આવ્યા હતા. છતા ઉમેદવારોની માંગણીઓ પુરી કરવામાં આવી નથી. ત્યારે રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેને લઇને ઉમેદવારો દ્વારા હવે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવા આહવાન કર્યુ છે.

યુવાનોના આંદોલનકારી નેતા રોહિત માળીએ કહ્યુ હતુ કે, અમે સરકારમાં છેલ્લા 4 વર્ષથી રજૂઆતો કરી રહ્યા છીએ. પોલીસ સરકારના ઇશારે અમને છાવણી સુધી પહોંચવા દેતી નથી અથવા રસ્તામાંથી જ અટકાયત કરે છે. જ્યારે સરકારને અમારા મુદ્દાઓની નિરાકરણ લાવવામાં કોઇ રસ જોવા મળતો નથી. સરકાર સામે અમે એલઆરડી ભરતીમાં મહિલા સમકક્ષ પુરુષોની જગ્યા વધારવા માગ કરી હતી. તલાટીની વર્ષ 2018માં આવેલી ભરતીની પરીક્ષા લેવાઇ નથી. વિદ્યા સહાયકની ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી.

જ્યારે આઉટસોર્સિગ બંધ કરવાની માંગ કરી છે. છતા સરકાર માંગણીઓ ઉપર ચર્ચા પણ કરતી નથી. જેથી અમારી સાથે રહેલા નોકરીથી વંચિત ઉમેદવારો હવે રજૂઆતો કરીને થાક્યા છે. પરિણામે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમા ઉમેદવારી કરવામાં આવશે.

જો કોઇ પાર્ટી અમને સામેથી ટીકીટ આપશે તો તે પક્ષમાંથી ઉમેદવારી કરીશુ, પરંતુ હવે ભાજપ સરકાર સામે હાથ લાંબા કરીને માંગવા નહિ આવીએ તેવી ચિમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનિય છેકે, અગાઉ વિધાનસભાની પેટા ચટણી દરમિયાન દિનેશ બાભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ સાથે પ્રેસ સંબોધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ પાછળથી પાણીમાં બેસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...