વેઇટિંગ ક્યારે પૂરું થશે?:ગુજરાતમાં વર્ષ 2016-17માં થયેલી SRP ભરતીમાં વેઇટિંગમાં રહેલા ઉમેદવારોને નોકરી ન મળતાં રોષ, ગાંધીનગરમાં ધરણાં કર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • વર્ષ 2016-17માં ભરતીપ્રક્રિયા હાથ ધરાઈ હતી
  • 1168 જગ્યા પર તાત્કાલિક ભરતી કરવા માગ
  • એસસી, એસટી, ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ

રાજ્યમાં વર્ષ 2016-17માં લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા એસઆરપીના ઉમેદવારો, જેઓ હજુ પણ ભરતી માટેની રાહ જોઈને બેઠા છે. આ ઉમેદવારોનું વેરિફિકેશન કરી દેવામાં આવ્યું છે, એમ છતાં પણ હજુ સધી નિમણૂક મેળવી શક્યા નથી. ભરતીપ્રક્રિયાને 5 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ રાજ્ય સરકારે હજુ સુધી નિમણૂક આપી ન હોવાથી આજે આ ઉમેદવારોએ પોતાના પરિવાર સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવીને આંદોલનની શરૂઆત કરી હતી.

'20 ટકા વેઈટિંગ પૈકી 10 ટકાને નોકરી મળી, 10 ટકા બાકી'
ભરતી માટે માગ કરી રહેલા ઉમેદવાર ભરત રાવળે જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. 20 ટકા વેઈટિંગ પૈકી 10 ટકાને નોકરી મળી ગઈ છે, જ્યારે બાકીના 10 ટકા ઉમેદવારો એસસી, એસટી, ઓબીસીના ઉમેદવારોની ભરતી કરાઈ નથી. આ ઉમેદવારો હજુ પણ વેઈટિંગમાં છે.

એકને ખોળ અને એકને ગોળ - પરિવારજન
ભરતી માટે વિરોધ કરી રહેલા ઉમેદવારના સ્વજન જગદીશ ચૂડાસમાએ કહ્યું હતું કે 10 ટકા ભરતી કરી તો 10 ટકા બાકી કેમ રાખવામાં આવી છે ? તાત્કાલિક ધોરણે નિમણૂકપત્ર આપવામાં આવે એવી માગ છે.

વર્ષ 2016-17માં થઈ હતી પ્રક્રિયા
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016-17માં ભરતીપ્રક્રિયા શરૂ કરી હતી. રાજ્ય સરકારે કુલ 17,532 ખાલી જગ્યા ભરવાની જાહેરાત કરી હતી અને પરિણામ આવ્યા બાદ પાસ થયેલા 20% ઉમેદવારોને વેઈટિંગમાં રાખવામાં આવ્યા હતા.

અનેક વખત કરવામાં આવી છે રજૂઆત
રાજ્ય સરકારમાં બાકી રહેલા 10 ટકા વેઈટિંગ ઉમેદવારોએ અનેક રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે રાજ્યમાં 10000થી વધુની ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પણ એસઆરપીએફના બાકી રહેલા 10% વેઇટિંગ ઉમેદવારોએ રજૂઆત કરી હતી. આ રજૂઆતને પણ હવે બેથી ત્રણ માસનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ ઉમેદવારો દ્વારા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...