વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવા માટે છેલ્લા 15 દિવસથી લડત ચલાવી રહેલા ઉમેદવારો આજે સચિવાલયના ગેટ નંબર-4 ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે ડિટેઇન કરેલા મહિલા ઉમેદવારોમાંથી એક મહિલા ઉમેદવાર બેભાન થઇ જતા સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પુરવા માટે વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વધુ હોવા છતાં ઓછા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવતા લાયકાત ધરાવતા ઉમેદવારોમાં રોષ ઉઠ્યો છે. જ્યારે બીજી તરફ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની મંજુરી આપવામાં આવે છે.
પરંતુ શિક્ષકની લાયકાત ધરાવતા શિક્ષિત બેકારોને નોકરી મળે તે માટે વિદ્યાસહાયકની જગ્યાઓ વધારવામાં આવતી નથી તેવો આક્ષેપ વિદ્યાસહાયકના ઉમેદવારોએ કર્યો છે. વિદ્યાસહાયકની જગ્યાઓમાં વધારો કરવાની માંગ સાથે મહિલા ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર-4 સામે રોડ ઉપર બેસી જઇ હતી.
રોડ ઉપર બેઠેલા મહિલા ઉમેદવારોને પોલીસે ડિટેઇન કરીને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લઇ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ડિટેઇન કરેલા મહિલા ઉમેદવારોમાંથી વીસનગરથી આવેલા મહિલા ઉમેદવાર બેભાન થઇ ગયા હતા. આથી મહિલા ઉમેદવારને વધુ સારવાર માટે ઇમરજન્સી સેવા 108ના મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે મહિલા ઉમેદવારને સારવાર મળી જતા હાલમાં તબિયત સુધારા ઉપર હોવાનું સાથે રહેલા અન્ય ઉમેદવારોએ જણાવ્યું છે.
ટેટના 55 ઉમેદવારોની સામે ગૂનો નોંધાયો
ટેટના ઉમેદવારો મંગળવારે સચિવાલયના ગેટ નંબર-4ની સામે આંદોલન કરવા આવ્યા હતા. ઉમેદવારોને યોગ્ય જગ્યાએ રજુઆત કરવા જણાવ્યું હતું. આ રીતેે રોડ ઉપર બેસીને રોડ બ્લોક કરી શકો નહી. તેમ છતાં નહી માનતા 55 ઉમેદવારોની અટકાયત કરીને તેઓની વિરૂદ્ધ કલમ-188નો ગૂનો દાખલ કર્યો છે.
વિદ્યાર્થી નેતાએ ઉમેદવારોને સપોર્ટ આપ્યો
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વિદ્યાસહાયકના આંદોલનમાં જોડાયા હતા. જોકે પોલીસ દ્વારા યુવરાજસિંહ સહિતના 100 જેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી લીધી હતી. વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓનો વધારો થશે નહી ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો હુંકાર ઉમેદવારોએ કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.