વેક્સિનેશન ઝુંબેશ:ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારના બાળકોને રસી આપવાના અભિયાનનો છાલાથી પ્રારંભ, આજે 20 હજાર બાળકોનું ટીકાકરણ કરાયું

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાએ નહીં જતાં બાળકો માટે 7 સ્થળોએ છઠ્ઠી જાન્યુઆરી સુધી કેમ્પ યોજાશે
  • કોવિડ- 19 રસીનો આરંભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે કરાયો

ગાંધીનગર જિલ્લામાં આજથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાના અભિયાનનો આરંભ થયો છે. જિલ્લામાં કોવિડ રસી અભિયાનનો આરંભ છાલા ગામ ખાતેથી કરવામાં આવ્યો હતો. કોવિડ- 19 રસીનો આરંભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે કરાયો હતો. આજે 127 શાળાના 20 હજાર બાળકોનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું. શાળાએ નહીં જતાં બાળકો માટે 7 સ્થળોએ છ જાન્યુઆરી સુધી કેમ્પ યોજાશે. જેમાં બાળકો વેક્સિનેશન કરાવી શકશે.

રાજયમાં આજથી કોવિડ- 19 ની રસી 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને આપવાનો આરંભ થયો છે. ત્યારે ગાંધીનગર ખાતેથી રાજયના મુખ્યમંત્રીના હસ્તે આ અભિયાનનો આરંભ થયો હતો. ગાંધીનગર જિલ્લામાં આ રસીકરણનો આરંભ છાલા ગામની કે.એમ.શાહ સર્વોદય હાઇસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ રસીકરણનો આરંભ આરોગ્ય અને પરિવારના કલ્યાણ રાજય મંત્રી નિમિષાબેન સુથારે દીપ પ્રાગટય કરીને કરાવ્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાંથી બહાર નીકળવા માટે આપ સૌના સાથ અને સહકારની જરૂરિયાત છે. સમગ્ર દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવાની કામગીરીમાં ઘણી સફળતા મળી છે. હવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાએ જતા અને 15 થી 18 વર્ષની વયના કિશોર અવસ્થાના બાળકોને કોવિડ- 19 ની રસી આપવાના અભિયાનના આરંભ કરાવ્યો છે. ત્યારે આજથી સમગ્ર ગુજરાતમાં આ ઉમરના બાળકોને રસી આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર નિરામય ગુજરાત ઇચ્છી રહ્યા છે. તેમણે બાળકોને વેક્સિનેશનથી ડરવાની જરૂર નથી તેમજ વેક્સિન લેવાથી તેમને શું ફાયદો થશે, તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ગાંધીનગર જિલ્લામાં થયેલા રસીકરણના કામનો સંતોષ વ્યકત કરીને જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં કોવિડ- 19ની રસીના પ્રથમ ડોઝનું કામ 98 ટકાથી વધુ કરવામાં આવ્યું છે. તેમજ બીજા ડોઝની કામગીરી 96 ટકાથી વધુ કરવામાં આવી છે.

આ અભિયાન થકી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 72 હજાર જેટલા બાળકોને રસી આપવામાં આવશે. આજથી આરંભ થયેલા અભિયાન જિલ્લાની 127 શાળાઓમાં કોવિડની રસી આપવામાં આવનાર છે. તેમજ 7 સ્થળો ખાતે જે બાળકો શાળાએ હાલ જતા નથી, તેમને રસી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન આજથી તા. 06 જાન્યુઆરી સુધી ચાલું રહેશે. તેમજ આજના દિવસમાં 20 હજાર જેટલા બાળકોને કોવિડ- 19ની રસી આપવામાં આવશે.

આ પ્રસંગે કોવિડ- 19 ની રસી લેવા આવેલા બાળકો સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો. કોવિડ- 19 ની રસી અંગેની રસપ્રદ વાતો કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ, છાલા ગામના સરપંચ મેધાબેન પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કોઇ બાળક વેક્સિન વિના ન રહી જાય તેવું આયોજન: શિક્ષણમંત્રી
સેક્ટર-7 ચૌધરી સ્કૂલ ખાતે વેક્સિનેશનનો પ્રારંભ કરતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ‘એક પણ બાળક વેક્સિન વિના ન રહી જાય તેવું આયોજન છે. વેક્સિનેશનને લઈને વાલીઓએ ડરવાની જરૂર નથી. રાજ્યની દરેક સ્કૂલોમાં કોવિડ SOPનું પાલન થવું જ જોઈએ. જ્યાં કોવિડ ગાઈડલાઈન્સનો અમલ નહીં થતો હોય, ત્યાં કડક પગલા લેવાશે.’

અનેક સ્થળે વાલીઓ બેસી રહ્યા
કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા કિશોરો સાથે તેમના વાલીઓમાં પણ ઉત્સાહ હતો. અનેક વાલીઓ બાળકોને લઈને આવ્યા હતા. દિનેશભાઈ પટેલે કહ્યું હતું કે, ‘કોરોના સામે રક્ષણ માટે રસી બહુ જરૂરી છે, એટલે રસીની જાહેરાત થઈ ત્યારે મેં જ મારા દિકરાને રસી લેવા તૈયાર કર્યો હતો.’

જિલ્લામાં રસીના પ્રથમડોઝની 98 ટકાથી વધુ કામગીરી સંપન્ન થઇ
ગાંધીનગર જિલ્લામાં રસીના પ્રથમ ડોઝનું કામ 98 ટકાથી વધુ કરાયુ છે. તેથી આ કામ સફળ થયું છે. > નિમિષાબેન સુથાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી

રસીની કોઈ આડઅસર નથી થઈ, પહેલાંથી જ સમજ અપાઇ હતી
રસી લીધા બાદ કોઈ આડઅસર નથી થઈ. સ્કૂલમાં શિક્ષકો અને પરિવારના લોકોએ પહેલાં જ મને આ અંગે સમજ આપી દીધી હતી. > જૈનિશ નંદાનીણા, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...