કાર્યવાહી:મનપાના નવા વિસ્તારોમાં પ્રોફેશનલ ટેક્સ પેયર્સ શોધવા ઝુંબેશ, અઢી હજારથી વધુ નોટિસ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનપાના નવા વિસ્તારોમાં પ્રોફેશનલ ટેક્સ પેયર્સ શોધવા ઝુંબેશ હાથ ધરવામાં આવતા હાલમાં ટેક્સના બિલો આપવાની કામગીરી ચાલી રહી છે. - Divya Bhaskar
મનપાના નવા વિસ્તારોમાં પ્રોફેશનલ ટેક્સ પેયર્સ શોધવા ઝુંબેશ હાથ ધરવામાં આવતા હાલમાં ટેક્સના બિલો આપવાની કામગીરી ચાલી રહી છે.
  • નવા વિસ્તારોમાંથી દોઢ વર્ષમાં માત્ર 1 હજાર લોકોએ જ પ્રોફેશનલ ટેક્સ માટે નોંધણી કરાવી
  • ટેક્સની 9.50 કરોડની આવકના અંદાજ સામે મનપાનેે 10.30 કરોડની આવક થઈ
  • મનપા દ્વારા વેપારી તેમજ સંસ્થાઓને 10 દિવસમાં નોંધણી કરાવવા માટે સૂચના આપવામાં આવી

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા મનપામાં ભળેલા નવા વિસ્તારોમાંથી પ્રોફેશનલ ટેક્સ પેયર શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં વિવિધ વિસ્તારોમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને હાલ નોટિસો આપવાની કામગીરી ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી વિવિધ કોમર્શીયલ વિસ્તારોમાં અંદાજે અઢી હજારથી વધુ નોટિસો આપી છે. જેમાં મનપા દ્વારા વેપારી-સંસ્થાઓને 10 દિવસમાં નોંધણી કરાવવા માટે કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે જુન-2020થી ગાંધીનગર કોર્પોરેશનમાં 18 ગ્રામ પંચાયત, પેથાપુર નગરપાલિકા તથા 50 ટીપી સ્કીમ વિસ્તારનો સમાવેશ થયો છે.

4 વર્ષમાં મનપાની આવક
4 વર્ષમાં મનપાની આવક

નવા વિસ્તારો ઉમેરાતા 79 હજાર જેટલી રહેણાંક અને 14 હજાર જેટલી કોમર્શિયલ મિલકતો ઉમેરાઈ છે. મનપાના જૂના વિસ્તારમાં અંદાજે 59 હજાર જેટલી રહેણાંક અને 8 હજાર જેટલી કોમર્શિયલ મિલકતો છે. નવા વિસ્તારોને કોર્પોરેશનમાં ભળ્યાને દોઢ વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં અંદાજે 1 હજાર જેટલા જ લોકોએ પ્રોફેશનલ ટેક્સ પેયર તરીકે નોંધણી કરાવી છે.

વર્ષોથી ગ્રામ પંચાયતમાં આવતા અનેક લોકોએ પ્રોફેશનલ ટેક્સ માટે નોંધણી કરાવેલી નથી. જેને પગલે આવા ટેક્સ પેયરોને શોધી કાઢવા માટે તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નોટિસો આપીને ટેક્સ પેયર શોધવાની આ ઝુંબેશ આખા મહિના સુધી ચાલે તેમ છે. આમ શહેરમાં મનપા દ્વારા નવા વિસ્તારોમાં પ્રોફેશનલ ટેક્સ પેયર્સ શોધવા ઝુંબેશ શરૂ કરાઈ છે.

આગામી વર્ષે 11 કરોડથી વધુની આવકનો અંદાજ
નાણાકીય વર્ષ 2021-22માં કોર્પોરેશનને અત્યાર સુધી 10.30 કરોડની આવક થઈ છે. તંત્ર દ્વારા આ વર્ષે 9.50 કરોડની આવકનો અંદાજ લગાવ્યો હતો. જેની સામે 10.30 કરોડની આવક થતાં ટાર્ગેટની સામે 108.43 ટકા જેટલું કલેક્શન થઈ ગયું છે. કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં પ્રોફેશનલ ટેક્સમાંથી 11 કરોડની આવકનો અંદાજ લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...