2022ની વિધાનસભાનું ટ્રેલર:8 હજારથી વધુ પંચાયતની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ, ગ્રાઉન્ડ લેવલે મજબૂત થવા જોર લગાવ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવતી કાલે કતલની રાત અને પરમ દિવસ 19 ડિસેમ્બરે મતદાન થશે
  • પ્રચાર પડઘમ શાંત થતાં ડોર ટૂ ડોર પ્રચાર કરી મતદાતાઓને રિઝવવામાં આવશે
  • 10,897 ગ્રામ પંચાયતોમાંથી 1167 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ
  • સરપંચ પદ માટે 27,200 અને સભ્યો માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં

ગ્રામ પંચયાતોની ચૂંટણી માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન થનારું છે અને આજથી પ્રચાર પડઘમ શાંત થયા છે. 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીને આગામી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે. આ ગામડાના મતદાતાઓ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસની બાજીને સુધારી અથવા તો બગાડી શકે છે. જેને લઇને બન્ને પક્ષોએ ગ્રાઉન્ડ લેવલે મજબૂત થવા માટે એડી ચોંટી નું જોર લગાવ્યું છે. પોતાના સમર્થકોને જીતાડવા માટે પક્ષના નેતાઓથી લઇને ધારાસભ્યો પણ ગામડાંમાં બેઠકો કરી રહ્યાં છે.

ભાજપ-કોંગ્રેસે એડી ચોંટીનું જોર લગાવ્યું
8 હજારથી વધુ ગામડાઓમાં પોતાના સમર્થકોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસ એડી ચોંટીનું જોર લગાવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો જે પ્રકારે મતદાન કરશે તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં થઇ શકે છે. અનેક ગામડાઓમાં હજી પણ પાયાની સુવિધાઓ નથી ત્યારે તેનો રોષ માત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી જ નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણી પર પણ જોવા મળશે. આ રોષને ખાળવા માટે ભાજપ અને કોંગ્રેસ પોતાના સમર્થકોની તરફેણમાં મતદાતાઓ રહે એ માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા છે. પ્રચાર પડઘમ શાંત થયા પછી હવે ડોર ટૂ ડોર પ્રચાર કરીને મતદાતાઓને રિઝવવાના પ્રયાસો કરાશે.

સમાજના આગેવાનો સાથે બેઠકો થશે
વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કરીને વધુમાં વધુ મતો પોતાની તરફેણમાં કરવા અંતિમ પ્રયાસો હાથ ધરાશે. એકજ સમાજના એક કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હોવાથી મોટા રાજકીય પક્ષો માટે ગ્રામ પંચાયતની ચૂંટણી એક પરીક્ષા સમાન સાબિત થઇ શકે છે. સમાજના મતો બે ભાગમાં વહેચાઇ જવાથી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

8,684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે
19 તારીખે રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. આ ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જ્યારે 53,507 સભ્યો ચૂંટવા માટે 1,19,998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

કુલ કેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે?
8684 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1,82,15,013 મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93,69,202 પુરુષ મતદાર છે જ્યારે 88,45,811 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 3,074 અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરાયા
ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે કુલ 23,907 મતદાન મથકો ઉભા કરવામા આવશે. જેમાં 6656 મતદાન મથકો સંવેદનશીલ અને 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા છે.

51 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે
19 તારીખે યોજાનારી ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે 8664 ગ્રામ પંચાયતોમાં કુલ 51 ,747 પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્ત જાળવશે. મતદાન પ્રક્રિયા માટે 2,546 ચૂંટણી અધિકારીઓ, 2,827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 1,37,466 પોલીંગ સ્ટાફ ફરજ પર હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...