8 માટે સાંઠગાંઠ:બિલ્ડરની જમીન બચાવવા 8ની ડિઝાઇન ફેરવી ખેડૂતોનાં ખેતરોનો ભોગ લેવાયો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાલા પ્રોજેક્ટના વિરોધ સાથે પીપળજના ખેડૂતોએ ધારાસભ્ય ચાવડાને આગળ કર્યા : આવેદનમાં આક્ષેપ કરાયો

ભારતમાલા પ્રોજેક્ટર હેઠળ ગાંધીનગરમાંથી પસાર થતા રોડ માટે જમીન સંપાદન સામે દિવસે ને દિવસે વિરોધ વધી રહ્યો છે. પીપળજ ગામના ખેડૂતો ગુરૂવારે ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સી. જે. ચાવડાએ ખેડૂતોની કીમતી જમીન બચાવી લેવા માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.

તેમની રજૂઆત મુજબ ગાંધીનગરમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ 160.7 કિલોમીટરથી 198 કિલોમીટર સુધીનો રસ્તો પસાર થશે, જેમાં ઉત્તર મતવિસ્તારનાં પીંપળજ, પીંડારડા અને ઉનાવા ગામોનો સમાવેશ થાય છે. પીપળજ ગામના અંદાજે 200 જેટલા સર્વે નંબરમાં 700થી 800 વીઘા જમીન સંપાદન થશે. જેમાં 200 જેટલા ખેડૂત નિરાધાર બનશે.

પીપળજ પાસે કોર્પોની હદ પાસે છે, નજીકના ભવિષ્યમાં કોર્પો.માં પણ તેનો સમાવેશ થાય તેવી શક્યતા છે. પીપળજમાં રોડમાં 8નો આકાર અપાવાને કારણે મોટા પ્રમાણમાં જમીન સંપાદન થશે. ધારાસભ્યના આક્ષેપ મુજબ એક મોટા બિલ્ડરની જગ્યા બચાવવા માટે ભૂતકાળમાં આ આઠડો અન્ય જગ્યાએ થવાનો હતો તે ખસેડીને અધિકારીઓના મેળાપીપણામાં નિર્દોષ ખેડૂતોને ભોગ બનાવાયા છે.

વીઘે 2 લાખની સુધીની ઊપજ ગુમાવી પડશે : ખેડૂતો
પીંપળજ ગામના લોકોએ પ્રાંત અધિકારી સક્ષમ વાંધાઅરજી કરી હતી, જેમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સારાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી જમીનમાંથી કપાસ, ઘઉં, બાજરી, જુવાર, રાયડો, જીરૂં, વરિયાળી તેમજ તેલીબિયાં, કઠોળ અને શાકભાજીનું વાવેતર કરી 3 સિઝનમાં ખેતી થાય છે. વીઘે 2 લાખ સુધીની ઊપજ ગુમાવવી પડશે. સંપાદનવાળી જમીનોમાં પાણીના બોર, કૂવા, પાણીની લાઈનો, ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ, કુંડીઓ, ફેન્સિંગ, દીવાલોની પ્રાવેઇટ સંપત્તિને નુકસાન થશે.

તાલુકામાં ફોરલેન-સિક્સલેનના અનેક રસ્તા વચ્ચે નવો રોડ કેમ?
ખેડૂતોએ રજૂઆત કરી છે કે, ભારતમાલા હાઈ-વે પ્રોજેક્ટ અટલ બિહારી વાજપેયી સરકારનો હતો. તે સમયે દેશ અને ગુજરાતમાં રસ્તાઓનો વિકાસ નહોતો. હાલના સમયે 6 લેનનો નેશનલ હાઈ-વે નં. 8નો 10 કિલોમીટરનો રસ્તો આ વિસ્તારમાંથી પસાર થાય છે. ગાંધીનગર-મહુડી ફોરલેવ હાઈવે પણ આ વિસ્તારમાંથી પસાર થાય છે. બાલવા-મહેસાણા ફોરલેન હાઈવે પણ 5 કિમીના અંતરે છે. 25 કિલોમીટરના અંતરે 6 લેનનો અડાલજ-મહેસાણા હાઈવે તથા ફોરલેન ધરાવતો મહેસાણા-હિંમતનગર હાઈવે છે. આ રસ્તાઓના વિકાસ જોતાં નેશનલ હાઈવે સિક્સલેન બનાવવાની જરૂરિયાત ન હોવા છતાં માત્ર વિકાસના નામે વિનાશ થશે તેવો આક્ષેપ કરાયો છે.

ખેડૂતોની માગણીઓ

  • ગાંધીનગર તાલુકાના જંત્રીના ભાવ કરતાં 10 ગણા વધુ ભાવ સાથે વળતર આપવું.
  • બાકી જમીનના ટુકડાઓનું ટીપી સ્કીમ અંતર્ગત 60-40ના રેશિયોમાં ફાઈનલ પ્લોટ ખેડૂતોને ફાળવવો.
  • બોર, દીવાલ, ઝાડ સહિતની સંપત્તિનું પણ વળતર આપવું.
  • મહુડી હાઈવેની પૂર્વમાં 1 કિમી દૂર ગૌચર અને ખરાબાની ખાલી જગ્યામાં આ રોડ ઉપર ઉતરવા અને ચઢવા માટે રસ્તાઓ બને તો ખેતીલાયક જમીનનું ઓછું સંપાદન ઓછું થાય.
  • ખેડૂતો અને તેમના વારસદારોને રોટ ટેક્સમાંથી સંપૂર્ણ રાહત આપવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...