તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સે-19ના સરકારી મકાનમાંથી 45 હજારના મતાની ઘરફોડ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર ઈદ મનાવા વતન ગયો અને ચોરોએ હાથફેરો કર્યો

શહેરના સેક્ટર-19 ખાતે સરકારી મકાનમાં રહેતા એક પરિવારના સભ્યો ઈદ મનાવવા વતન ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી 45 હજારના મતાની ઘરફોડ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

15 હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયા
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સે-19 બ્લોક નંબર-283/3, ઘ-ટાઈપ ખાતે રહેતાં અસલમભાઈ શેખ પરિવાર સાથે વતન બાલાસિનોર ગયા હતા. તહેવાર નિમિતે 1 ઓગસ્ટના રોજ વતન ગયેલો પરિવાર 3 ઓગસ્ટે સાંજે ઘરે પરત ફર્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. પરિવારના સભ્યોએ ઘરમાં જઈને જોતા ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને પૈસાનો ગલ્લો તૂટેલી હાલતમાં હતો. બેડરૂમમાં રહેલો કબાટ પણ ખુલ્લી હાલતમાં હતો. તેમણે વધુ તપાસ કરતાં 15 હજાર રૂપિયા રોકડા, 17,500ની કિંમતની સોનાની બે વીંટી, 12 હજારની કિંમતની બે જોડ ચાંદીની ઝાંઝર, 5 હજારની કિંમતની નાકમાં પહેરવાની પાંચ નંગ ચુની ગુમ હતી. ચોરી અંગે પોલીસને જાણ કરતાં સેક્ટર-21 પોલીસે પણ એફએસએલની મદદથી ઘટના સ્થળની તપાસ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે રહેમતબહેન અસલમભાઈ શેખની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.આ બનાવથી આ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી કેટલાંક સેક્ટરોમાં ખાસ કરીને જે મકાન બંધ હોય છે તેમાં અવારનવાર આવી ચોરીની ઘટનાઓ બનતી રહે છે તેના કારણે કેટલાંક લોકો તો હવે બહારગામ કે અન્ય કામસર બહાર જાય તો ગમે તેમ કરીને પણ સાંજે તેમના ઘરે પરત આવી જવાનુ મુનાસીબ સમજી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...