કલોલ વખારીયા નગરમાં આવેલ સૌમ્ય એપાર્ટમેન્ટના બંધ મકાનમાં ભર બપોરે સોનાના દાગીના, ચાંદીના સિક્કા, યુએસ ડોલર, દુબઈ દીરામ તેમજ રૂ. 2.38 લાખ રોકડા મળીને કુલ 7.83 લાખની મત્તા ચોરાઈ જતાં કલોલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસમાં ઘરઘાટી મહિલા બપોરે કામ કર્યા પછી તાળું મારીને ગયા બાદ ચોરી થયાનું બહાર આવતા કોઈ જાણભેદુ સંડોવાયેલ હોવાનું પોલીસનું અનુમાન છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ વખારીયા નગરમાં આવેલ સૌમ્ય એપાર્ટમેન્ટ બ્લોક નંબર - 4 ખાતે રહેતાં ભરતભાઈ ડાહ્યાભાઈ પટેલ રેલવેમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેમના પરિવારમાં પત્ની ઉમંગી તેમજ દીકરો આદિત્ય છે. જેમના ઘરે રમીલાબેન અને દિવાળીબેન ઘરઘાટી તરીકે કામ કરે છે. કલોલમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે છાપ ધરાવતા ભરતભાઈ ગઈકાલે તા. 3 જી જુનના રોજ બપોરે બાર વાગે તેમના મિત્ર સાથે અડાલજ મહારાજ હોટલ મિટિંગ અર્થે ગયા હતા. જ્યારે તેમના સસરાને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમના પત્ની - પુત્ર કાર લઈને બપોરે ડ્રાઇવર રમેશ દેસાઈને લઈ કારમાં સવા એક વાગે અડાલજ પહોંચ્યા હતા.
ભરતભાઈ તેમના પત્ની અને દીકરો આંબાવાડીની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. એ વખતે ઉમંગીબેને કહ્યું હતું કે, ઘરે કામ વાળા બેન રમીલાબેન પ્રજાપતિ છે. જે કામ કર્યા પછી ઘરની ચાવી નટવરભાઈ વ્યાસને આપીને જવાના છે. બાદમાં સાંજના સાડા સાતેક વાગે અમદાવાદથી તેમના સસરાની ગાડી લઈને ડ્રાઇવર રમેશ દેસાઈ નિકળ્યો હતો. જ્યારે ભરતભાઈ તેમના પત્ની અને પુત્ર સાથે પોતાની ગાડીમાં કલોલ આવવા નિકળ્યા હતા.
રાત્રીના પોણા નવ વાગ્યાની આસપાસ ડ્રાઇવરે આદિત્યને ફોન કરીને જાણ કરી હતી કે, ઘરને લોક મારેલું નથી અને અંદરનો સર સામાન વેર વિખેર પડ્યો છે. આથી ભરતભાઈ તાબડતોબ ઘરે દોડી ગયા હતા. જ્યાં ઘરના દરવાજોનો નકુચો તૂટેલો હતો. અને ઘરનો સર સામાન વેર વિખેર હતો અને દિવાલ તિજોરીનાં લોકરમાંથી સોનાની બે ચેઇન, સોનાની વીંટી - 8 નંગ, સોનાથી મઢેલા પેન્ડલ - 8 નંગ, સૂર્યનાં નંગ વાળી વીંટી, સોનાની લકી, શંકર ભગવાનની આકૃતિ વાળું પેન્ડલ, ચાંદીના સિક્કા - 20, 600 યુએસ ડોલર, 1200 દુબઈ દીરામ, તેમજ 2.38 લાખ રોકડા મળીને કુલ રૂ. 7.83 લાખની મત્તા ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું.
આ અંગે ભરતભાઈએ તેમના મકાનની ચાવી જેમની પાસે રાખેલી તે નટવરભાઈ વ્યાસને પૂછતાં જાણવા મળ્યું હતું કે, બપોરે બે વાગે ઘરકામ કરવા માટે ઘરઘાટી દિવાળીબેન પ્રજાપતિ ચાવી લઈ ગઈ હતી અને અઢી વાગે પરત આપી ગઈ હતી.
બનાવની જાણ થતાં કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ ઉન્નતિબેન પટેલ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી ઘરઘાટી મહિલાઓની પણ પૂછતાંછ શરૂ કરી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, જે રીતે ચોરી થઈ છે એ જોતાં જાણભેદુ હોવાની શંકા છે. ઘરમાંથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટનાં નિશાન પણ મળી આવ્યા છે. જ્યારે સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલમાં શકમંદોની તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.