ગાંધીનગરના સેકટર - 8 માં રહેતું દંપતી થર્ટી ફર્સ્ટની ઉજવણી અર્થે દીકરીની સાસરીમાં સુરત ગયું હતું. જેમના બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને રૂ. 2.93 લાખનાં મુદ્દામાલની ચોરી કરીને નાસી ગયા હતા. આ અંગે સેકટર - 7 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર - 8/બી પ્લોટ નંબર 348/2 માં રહેતા રેનોલ્ડ જોય જુલિયસ ક્રિચ્ચિયન પત્ની હેલિના સાથે નિવૃત જીવન ગુજારે છે. ગત તા. 30 મી ડિસેમ્બરના રોજ દંપતી તેમની દીકરી ધ્રુતિની સાસરી સુરત ખાતે નવા વર્ષની ઉજવણી કરવા માટે સવારે આશરે સાડા આઠ વાગે ગયા હતા.ત્યારબાદ આજરોજ સવારે ઘરમાં કામ કરતી કામવાળી બહેન કુસુમબેને ફોન કરીને ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તૂટયું હોવાની જાણ રેનોલ્ડજોયને કરી હતી.
જેનાં પગલે દંપતી તાત્કાલિક ઘરે પરત આવ્યું હતું. ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. અને મકાનના ગ્રાઉન્ડ ફલોરના બેડરૂમમાં રાખેલ તિજોરી પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. જેની અંદરનો સામાન વેર વિખેર હાલતમાં બેડ પર પડ્યો હતો. જ્યારે પ્રથમ મજલાનો બેડરૂમ જોતાં તેમાં મુકેલ લાકડાના બે કબાટના દરવાજા પણ તૂટેલા હતા.
બાદમાં તિજોરીની તલાશી લેતાં અંદરથી સોનાની ચેઇન, સોનાની બંગડી, સોનાની પેન્ડેન્ટ સેટ, સોનાનુ પેન્ડેન્ટ, સોનાની ઝુમખી, ચાંદીના સિક્કા નંગ-8, ચાંદીના ગ્લાસ ચાંદીની પાયલ નંગ-4 તેમજ રોકડા રૂ. 3600 મળીને કુલ રૂ. 2.93 લાખની મત્તા તસ્કરો ચોરી ગયાનું વધુમાં માલુમ પડયું હતું. આ અંગે સેકટર - 7 પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.