આયોજન:પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે ધોળેશ્વર મંદિરમાં બ્રહ્મભોજન શરૂ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે મંદિરો દ્વારા આયોજનો કરાયાં

આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે, શ્રાવણ સુદ એકમને શુક્રવારના રોજથી શરૂ થયેલા શ્રાવણ માસની સમાપ્તિ 27 ઓગસ્ટના રોજ શ્રાવણ વદ અમાસના દિવસે થશે. કોરોનાના બે વર્ષ બાદ આ વખતે શ્રાવણમાસની ધામધૂમથી ઉજવણી થશે. શિવાયલોમાં શ્રાવણમાસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાશે. જોકે કોરોનાના કેસ આવતા હોવાને પગલે સરકારી ગાઈડલાઈન્સનો અમલ કરવાની તૈયારી આયોજકો દ્વારા કરાઈ છે.

ગાંધીનગરના સુપ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરૂવારે દિવાસોથી જ બ્રહ્મ ભોજન શરૂ કરાયું હતું, જે શ્રાવણ માસની પૂર્ણાહુતિ એટલે કે અમાસ સુધી ચાલશે. આ ઉપરાંત નિયમિત રીતે ભગવાન શિવને અભિષેક સાથે અલગ-અલગ શ્રૃગાંર કરાશે.

બીજી તરફ વાસણ મહાદેવ મંદિર, કલોલના પૌરાણિક કપિલેશ્વર મહાદેવ, સઈજનું સિધ્ધરાજ મહાદેવ મંદિર, દહેગામના ખેરનાથ મહાદેવ સહિતના શહેર જિલ્લાના નાના-મોટા મંદિરોમાં શ્રાવણ માસની ઉજવણી કરાશે. સે.26 સમસ્ત બ્રહ્મ સમાજ શાખા દ્વારા આજે સે-25 સંતોષીમાતા મંદિરે શિવ-મહિમ્ન પાઠનું આયોજન કરાયું છે. દર સોમવારે રાત્રે 9થી 10 ગ્રીનસિટી સે-26 વૈજનાથ મહાદેવ ખાતે પાઠ કરવામાં આવશે.

સે. 16 ખાતે આવેલા સોમનાથ મહાદેવ ખાતે 1000 કમળ પુષ્પથી પૂજા કરાશે
સમસ્ત બ્રહ્મસમાજ સે-16ના પ્રાગંણમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણોત્સવ નિમિત્તે 1000 કમળ પુષ્પપુજા, સવાલાખ બિલીપત્ર, સવાલાખ મહામૃત્યુજય મંત્રજાપ, પંચવક્ત્ર મહાપૂજા, પ્રદોષ પૂજન, 108 લીટર ગાયના દૂધનો અભિષિક, પાર્થેશ્વર શિવલિંગ પૂજા, સુંદરકાંડ, હોમાત્મક લઘુરૂદ્ર, અન્નકુટ, મહાભોગ બ્રહ્મભોજન જેવા આયોજનો ઉપરાંત દર સોમવારે દિપમાળા, શ્રૃંગાર અને 108 દિવાની મહાઆરતી કરાશે. આજે પિનાકીન રાવલ વિધિવત પૂજા અભિષેક કરીને શ્રાવણોત્સવ અનુષ્ઠાનનો પ્રારંભ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...