ચૂંટણીમાં એકપણ મત ના પડ્યો:રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નોંધપાત્ર મતદાન વચ્ચે ચાર ગામમાં ચૂંટણીનો બહિષ્કાર, માગણીઓ ના સંતોષાતા નારાજગી દર્શાવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર અને છોટા ઉદેપુર જિલ્લાની એક એક ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો બહિષ્કાર
  • પ્રાથમિક સુવિધાનો અભાવ અથવા અન્ય કારણોસર બહિષ્કાર કર્યો

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કડકડતી ઠંડી વચ્ચે રાજ્યભરમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો હતો જોકે આ વચ્ચે કેટલાક ગામોમાં મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો. પ્રાથમિક સુવિધાનો અભાવને લઈ અથવા અન્ય કારણોસર મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યા હતો. ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ છોટા ઉદેપુર જિલ્લાના એક એક ગામમાં મતદારો મતદાનથી અળગા રહ્યા હતા.

ભરૂચના કેશરગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો
ભરૂચના વાલિયા તાલુકાનાં કેશરગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓ તેમજ કીમ નદી પર પૂલ ન હોવાથી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના કેશરગામ ગામના આગેવાનો પ્રાથમિક સુવિધાઓના અભાવે તેમજ કીમ નદી પર પુલ બનાવવાની માંગ સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું.

કેશરગામના બાળકોને જીવના જોખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે ઈટકલા ગામની શાળા ખાતે ચોમાસામાં જવું પડતું હોય છે. બંને ગામ વચ્ચે પુલના અભાવે ચાર ગામ ફરીને 20 કિલો મીટરનું અંતર કાપીને લોકોએ જવું પડી રહ્યું છે. ત્યારે જ્યાં સુધી પુલ અને પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ આજે યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન નહીં કરી 350 જેટલા મતદારોએ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો.

મોરબીની શિવનગર ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર
મોરબીના શિવનગર ગામે ગ્રામજનોએ ગ્રામપંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામના એકપણ વ્યક્તિએ મતદાન મથકે જઈ મત આપ્યો નથી. ગામજનોની માંગ છે કે, પંચાસર ગામથી અલગ ગ્રામપંચાયત બનાવવામાં આવે, જેથી ગામના કાર્યો સુચારુ રીતે થાય. આશરે 57 વર્ષથી શિવનગર ગામ પંચાસર ગામથી અલગ થયેલું ગામ છે પરંતુ હજુ સુધી તેમને ગ્રામપંચાયત મળી નથી. ગત વખતની ચૂંટણીમાં ગામ સમરસ જાહેર થયું હતું. જોકે, આ વખતે ચૂંટણી યોજાઈ છે, ત્યારે ગામના અગ્રણીઓએ સભા યોજી સર્વાનુમતે મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. જેનો શિવનગરના લોકો દ્વારા અમલ કરવામાં આવ્યો છે.

છોટા ઉદેપુરના વડદલા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર
છોટાઉદેપુર જિલ્લાના વડદલા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોએ અલગ પંચાયતની માંગ કરી હતી જોકે, આ માંગ ન સંતોષાતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સખેડા તાલુકાની વાસણા ગ્રામપંચાયતમાં બોડેલી તાલુકાના વડદલા ગામનો સમાવેશ કરાયો છે. આ ગામ બોડેલી તાલુકામાં આવતું હોવાથી ગ્રામજનોએ અલગ ગ્રામ પંચાયતની માંગ કરી હતી. જોકે, આ માંગ ન સ્વીકારતા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

સુરેન્દ્રનગરના જીવા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનો દ્વારા રોડ, રસ્તા, આરોગ્ય, ગટર અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓના પડતર પ્રશ્નોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ધાંગધ્રા તાલુકાના આશરે 3500થી વધુ વસ્તી અને 1850થી વધુ મતદાન ધરાવતું જીવા ગામના ગ્રામજનો દ્વારા આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અને કોઈ ઉમેદવારી પણ નોંધાવી ન હતી. જેથી ગામમાં ચૂંટણી ન યોજાતા એક પણ મત પડ્યો ન હતો.ગ્રામજનોના જણાવ્યાં મુજબ જીવા ગામમાં વર્ષોથી અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડ, રસ્તા, પુલ તેમજ દવાખાના જેવી પ્રાથમિક સુવિધાના અભાવ બાબતના પડતર પ્રશ્નોનો નિકાલ ન થવાને લીધે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેમજ ગામમાં રસ્તો ખરાબ હાલતમાં હોવાથી સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. હજુ પણ આગામી સમયમાં જો આ પડતર પ્રાણપ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે તો આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...