મહેંદી હત્યા પ્રકરણમાં નવો ખુલાસો:મહેંદી અને સચિન દીક્ષિત વચ્ચેના પ્રેમ પ્રકરણની જાણ બંને પરિવારોને હતી, મહેંદીએ જીવન આસ્થા હેલ્પલાઈનની મદદ પણ લીધી હતી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેંદીની ફરિયાદના આધારે સચિન દીક્ષિત સામે અટકાયતી પગલાં પણ લેવાયા હતા
  • જીવન આસ્થાની ટીમે મહેંદીને પૂર્વ પતિ સાથે જતા રહેવાની પણ સલાહ આપી હતી

રાજયમાં ચકચાર મચાવનાર શિવાંશ પ્રકરણમાં તેની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી પ્રેમી સચિન દીક્ષિત દ્વારા કરાયેલ હત્યા કેસમાં આજે પોલીસે નવો ખુલાસો કર્યો છે. જેમાં મહેંદીએ અગાઉ જીવન આસ્થા હેલ્પલાઈનમાં ફોન કરીને સલાહ પણ માંગી હતી. તેમજ તેણે સચિન દીક્ષિત વિરુદ્ધ અમદાવાદ મહિલા પોલીસ મથકમાં અરજી કરતાં પોલીસે સચિન સામે અટકાયતી પગલાં પણ ભર્યા હતા. આમ સમગ્ર પ્રેમ પ્રકરણ અંગે સચિન દીક્ષિતનો પરિવાર પણ સારી રીતે વાકેફ હતો તેમ રેંજ આઈજી અભય ચુડાસમાએ નવો ઘટસ્ફોટ કર્યો છે.

ગાંધીનગરના સ્વામિનારાયણ મંદિરની ગૌ શાળામાં દસ માસના શિવાંશને તરછોડી દઈ તેની માતા મહેંદી ઉર્ફે હિનાની હત્યા કરનાર સચિન દીક્ષિતનાં આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર પોલીસની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. જેમાં બંને પરિવારો પ્રેમ પ્રકરણથી વાકેફ હોવા ઉપરાંત સચિન દીક્ષિત સામે અમદાવાદ મહિલા પોલીસ મથકમાં પણ મહેંદીની ફરિયાદના આધારે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા.

મહેંદીએ જીવન આસ્થા હેલ્પ લાઈનમાં ફોન કરી સલાહ લીધી હતી
ગાંધીનગર પોલીસની તપાસમાં શિવાંશ પ્રકરણમાં મહેંદી ઉર્ફે હિના સચિન દીક્ષિત પરણિત હોવાની વાતથી વાકેફ હતી. સચિનના મોબાઈલમાં તેની પત્નીનો ફોન નંબર મહેંદીના હાથમાં આવી ગયો હતો. જે હકીકત બહાર આવતા મહેંદી અને સચિન વચ્ચે ઝગડા થવા લાગ્યા હતા. અને બન્ને છૂટા પણ પડી ગયા હતા. બીજી તરફ સચિનના ગળાડૂબ પ્રેમમાં મહેંદી તેને ભૂલી શકતી ન હતી. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા પણ થયા કરતા હતા. જેનાં પરિણામે એકલી પડી ગયેલી મહેંદી ગત. 1 નવેમ્બર 2019 ના રોજ જીવન આસ્થા હેલ્પ લાઈનમાં ફોન કરીને પોતાના અને સચિન સંબંધો વિશે 54 મિનિટ સુધી ચર્ચા કરીને સલાહ પણ મેળવી હતી.

હેલ્પ લાઈને પૂર્વ પતિ સાથે સમાધાન કરવાની અપીલ કરી હતી
ત્યારે જીવન આસ્થા ધ્વારા મહેંદીને અવૈધ સંબંધોનો અંત લાવી તેના પૂર્વ પતિ સાથે વાતચીત કરીને સમાધાન કરી લેવાની સલાહ આપી હતી. અને મહેંદીને એ પણ કહેવામાં આવેલું કે તે સચિન દીક્ષિત પાસે ફરી પાછી જાય નહીં. મહેંદી ત્યાં સુધી કહેલું કે સચિન યુપીનો છે તો મારે શું કરવું. આ બધી વિગતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી જીવન આસ્થાએ સચિન પાસે જવાની સ્પષ્ટ ના પાડી હતી. તેમ છતાં મહેંદીએ સચિન દીક્ષિત સાથે પુનઃ સંબંધો પ્રસ્થાપિત કરી દીધા હતા. પરંતુ બંને વચ્ચે તકરાર ચાલુ જ રહેતી હતી. જેનાં પગલે એકલી પડી ગયેલી મહેંદીએ અમદાવાદ મહિલા પોલીસ મથકમાં સચિન દીક્ષિત વિરુદ્ધ અરજી પણ દાખલ કરી હતી. જે અન્વયે સચિન સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હતા.

મહેંદી અને સચિનના પ્રેમસંબંધનની બંનેના પરિવારોને જાણ હતી
મહેંદી અને સચિનનું સમગ્ર પ્રેમ પ્રકરણ બંને પરિવારોમાં જાહેર થઈ ગયું હતું. એ દરમિયાન સચિનની બદલી વડોદરામાં થઈ હતી. અને તે મહેંદી સાથે બાપોદ ખાતે દર્શનમ ઓએસિસમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. અને અંતે શુક્રવારે તા. 8 મી ઓક્ટોબરે સચિન દીક્ષિતે મહેંદીનું ગળું દબાવી લાશને બેગમાં પેક કરી રસોડામાં મૂકી દીધી હતી. અને શિવાંશને ગૌ શાળામાં તરછોડી દીધો હતો.