કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ લેવા માટે રૂ. 386.25નો ચાર્જ ચૂકવવાનો હોવાથી 15 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓએ રસીના બંને ડોઝની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ છે. પ્રિકોશન ડોઝ લેવા માટે જિલ્લામાંથી માત્ર 4 જ હૉસ્પિટલે રસ દાખવ્યો છે. જિલ્લાની 10.50 લાખમાંથી માત્ર 1851 વ્યક્તિએ ચાર્જ આપીને પ્રિકોશન ડોઝ લીધો છે. જિલ્લામાં 18 વર્ષથી 59 વર્ષના કુલ 10.50 લાખ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. તેમાં ગાંધીનગરના 1.50 લાખ અને ચારેય તાલુકાના 9 લાખ જેટલા લોકો છે. હાલમાં કોરોના ભલે મંદ સ્થિતિમાં હોય પરંતુ હજુ નાબૂદ થયો નથી.
રાજ્ય સરકારે 12 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિને રસીના બંને ડોઝ નિ:શુલ્ક આપ્યા છે. જ્યારે હવે 18 વર્ષથી 59 વર્ષના લોકોને પ્રિકોશન ડોઝ લેવા માટે નિયત કરેલો ચાર્જ ચૂકવવાનો નિર્ણય રાજ્યના આરોગ્ય વિભાગે કર્યો છે. જોકે પ્રિકોશન ડોઝ આપવા માટે ખાનગી હૉસ્પિટલોએ મંજૂરી લેવાની રહેશે. જોકે જિલ્લાના 18 વર્ષથી 59 વર્ષના અંદાજે કુલ 10.50 લાખ જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 1851 લોકોએ ચાર્જ ચૂકવીને પ્રિકોશન ડોઝ લીધો છે.
92.45 ટકા બાળકોને પહેલો, 52.50 ટકા બાળકોને બીજો ડોઝ અપાયો
ચારેય તાલુકાના કુલ 39580માંથી 36591 એટલે કે 92.45 ટકા બાળકોને પ્રથમ ડોઝ અને 33171માંથી 25602 એટલે કે 77.18 ટકા બાળકોને બીજો ડોઝ આપ્યો છે. ગાંધીનગરના 15991માંથી 8395 એટલે કે 52.50 ટકા પ્રથમ ડોઝ અને 2862 એટલે કે 17.90 ટકા બાળકોને બીજો ડોઝ આપ્યો છે.
95.53 લોકોને નિ:શુલ્ક ડોઝ આપ્યો
રાજ્ય સરકારે હેલ્થ વર્કરો, ફ્રન્ટ લાઇન વોરિયર્સ અને 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને નિ:શુલ્ક પ્રિકોશન ડોઝ અપાઈ રહ્યો છે. તેમાં ચારેય તાલુકામાંથી 158324માંથી 55117 એટલે કે 34.81 ટકા જ્યારે ગાંધીનગરના 27439માંથી 26212 એટલે કે 95.53 ટકા લોકોને પ્રિકોશન ડોઝ આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.