પાલિકા-પંચાયતના પરિણામ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો, કુલ 228 બેઠકોમાંથી 175 બેઠક ભાજપે કબજે કરી; કૉંગ્રેસ 44 બેઠક પર સમેટાઈ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીને 3 અને અન્યના ફાળે 6 બેઠક આવી
  • ગુજરાતમાં ભાણવડ નગરપાલિકામાં 25 વર્ષે કોંગ્રેસે સત્તા મેળવી
  • રાજ્યમાં સામાન્ય ચૂંટણી હેઠળની 128માંથી 103 બેઠકો અને પેટાચૂંટણીમાં 101 પૈકી 72 બેઠકો ભાજપને પ્રાપ્ત થઇ
  • ઓખામાં ભાજપે 36માંથી 32, થરામાં 24માંથી 20 બેઠકો જીતી, ભણવડમાં 24 માંથી 16 બેઠક કોંગ્રેસને મળી
  • ગાંધીનગર કોર્પોરેશની ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 ભાજપને, 2 કોંગ્રેસને અને 1 ‘આપ’ને મળી
  • વિવિધ 7 જિલ્લા પંચાયતોની 8 બેઠકોમાંથી પાંચ ભાજપને જ્યારે ત્રણ બેઠક કોંગ્રેસને મળી

ગુજરાતમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપ 175 બેઠકો પર કબજો મેળવવામા સફળ રહી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કુલ બેઠકોની 76 ટકા બેઠકો જીતવામા સફળ રહી છે. ગાંધીનગર મનપા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકા ભાજપે કબજે કર્યું છે તો ભાણવ઼ડ નગરપાલિકા કૉંગ્રેસે કબજે કરી છે.

સંસ્થાનું નામકુલ બેઠકભાજપકૉંગ્રેસઆપઅન્ય
ગાંધીનગર મનપા44410201
ઓખા નગરપાલિકા363402
થરા નગરપાલિકા242004
ભાણવડ નગરપાલિકા240816
જિલ્લા પંચાયતની પેટાચૂંટણી080503
તાલુકા પંચાયત પેટાચૂંટણી4428130201
મનપાની પેટાચૂંટણી030201
નગરપાલિકાની પેટાચૂંટણી45370305
કુલ228175440306

મનપાની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામ
ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠક પર સામાન્ય ચૂંટણી, જ્યારે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. મહાનગરપાલિકાની કુલ 47 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાંથી ભાજપ 43 બેઠકો કબજે કરવામા સફળ રહી છે. જ્યારે કૉંગ્રેસના ફાળે ફક્ત 3 બેઠક અને આપના ફાળે ફક્ત 1 બેઠક આવી છે.

જીતની શુભેચ્છા આપતા મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ
જીતની શુભેચ્છા આપતા મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ

નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભગવો લહેરાયો
ગુજરાતમાં ઓખા, થરા અને ભાણવ઼ડ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઓખા અને થરા નગરપાલિકામાં ભાજપની જ્યારે ભાણવડ નગરપાલિકામાં કૉંગ્રેસની જીત થઈ છે. ત્રણ નગરપાલિકાની 84 બેઠકોમાંથી ભાજપે 62 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસે 22 બેઠકો પર જીત મેળવી છે.

ગાંધીનગરમાં જીતની ઉજવણી કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ
ગાંધીનગરમાં જીતની ઉજવણી કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ

નગરપાલિકાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો દબદબો
બે નગરપાલિકાની સામાન્ય, એક નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી ઉપરાંત રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં પણ પેટાચૂંટણી યોજાઈ હતી જેના પરિણામો આજે જાહેર થયા હતા. રાજ્યની અલગ અલગ નગરપાલિકાની ખાલી પડેલી 45 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 37 બેઠકો કબજે કરી છે. જ્યારે કૉંગ્રેસના ફાળે ફક્ત 3 બેઠકો અને અન્યના ફાળે 5 બેઠકો આવી છે.

જિલ્લા પંચાયતની પેટાચૂંટણીઓમાં પણ ભાજપનો હાથ ઊંચો રહ્યો
રાજ્યમાં 7 જિલ્લા પંચાયતની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આજે જાહેર થયેલા પરિણામમાંથી આઠમાંથી પાંચ બેઠક ભાજપે જીતી છે. જ્યારે ત્રણ બેઠકો કૉંગ્રેસના ફાળે ગઈ છે.

તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસનો સફાયો
​​​​​​​
ગુજરાતના 22 જિલ્લાઓમાં અલગ અલગ તાલુકા પંચાયતમાં ખાલી પડેલી 44 બેઠકો પર પેટાચૂંટણી યોજવામા આવી હતી. જેના પરિણામો આજે જાહેર થતા 28 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કૉંગ્રેસના ફાળે 13 અને અન્યના ફાળે 3 બેઠકો આવી છે.

પાલિકામાં નવા ભળેલાં વિસ્તારો ભાજપને ફળ્યા
સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારનું ગાંધીનગરના મતદાતાઓમાં બાહુલ્ય રહ્યું છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ગાંધીનગર મહાનગર પાલિકામાં થયેલું નવું સીમાંકન ભાજપને ખૂબ ફળ્યું છે. પાલિકામાં નવા ભળેલાં વિસ્તારોમાં પાટીદાર સમાજના ગામો તથા ગાંધીનગર શહેરની બહાર વિસ્તરેલા વિસ્તારોના સમગ્ર ગુજરાતમાંથી આવેલાં લોકોની વસાહતો આવેલી છે. આ મતદાતાઓએ જ ભાજપને અહીં જિતાડવામાં મોટી ભૂમિકા ભજવી છે.

કોંગ્રેસના સભ્યો ભાજપમાં ભળતા ફાયદો
કોંગ્રેસે પહેલી ટર્મમાં વિજેતા બની જ્યારે બીજી ટર્મમાં લગોલગ આવીને ઊભી રહી. પરંતુ કોંગ્રેસના સભ્યો દરેક વખતે ભાજપમાં ભળી ગયાં અને સત્તા ભાજપને મળી. કોંગ્રેસ પાસે કોરોનાકાળમાં ભાજપ વિરોધી જુવાળ જેવો મોકો હોવા છતાં તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહી. કોંગ્રેસની મતોની ટકાવારીમાં પણ ધોવાણ થયું અને તે 42 ટકાથી ઘટીને સાવ 27 ટકા આસપાસ આવી ગયું. આમ આદમી પાર્ટીએ અહીં ખાતું ખોલાવ્યું છે. તેને મળેલાં મતોની ટકાવારી 21 ટકા જેટલી છે.

ભાજપનો જ્વલંત વિજય તે પ્રજાનો વિજય છે : ચુડાસમા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મુખ્ય જવાબદારી સંભાળતા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં ભાજપને જ્વલંત વિજય અપાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, સંગઠનના પ્રયાસથી રાજ્ય સરકારની સફળ કામગીરીને લોકો સુધી પહોંચાડવામાં સફળ રહેતા ગાંધીનગરની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવામાં સફળ રહ્યા છીએ.

બાવળિયા-બોઘરાના ગઢમાં ગાબડું
બંને બેઠક પર કોંગ્રેસનો વિજય | રાજકોટ ऑ| રાજકોટ જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં બાવળિયા અને બોઘરાનો ગઢ ગણાતી બંને બેઠક પર ભાજપનો સફાયો થયો છે. શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. જ્યારે ભાજપ પાસે રહેલ પાટીદારોનો ગઢ ગણાતી સાણથલી બેઠક કોંગ્રેસે છીનવી લીધી છે. જોકે પેટાચૂંટણીમાં આપના ઉમેદવારની હાર થઈ છે, પરંતુ બંને બેઠક પરથી આપના ઉમેદવારોને 4,868 મત મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...