સ્નેહમિલન:ગાંધીનગરના વાવોલમાં ભાજપનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, દેશભક્તિના ગીતો, શૌર્ય ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તાના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્ય મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
  • મહાનુભાવોનું ખેસ, પુષ્પગુચ્છ, મોમેન્ટો અને ડિજિટલ 'શ્રીમદ ભગવદગીતાથી સ્વાગત કરાયું

ગાંધીનગરના વાવોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તાના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્ય મહેમાન પ્રદેશ મહામંત્રી રજની પટેલ, મહાનગરના પ્રભારી મોહનલાલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સ્નહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ ઋચિર ભટ્ટે સ્વાગત પ્રવચન કરીને સૌ મહાનુભાવોને સમારોહમાં ઉપસ્થિત સૌને આવકારી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાનું ખેસ, પુષ્પગુચ્છ, મોમેન્ટો અને ડિજિટલ 'શ્રીમદ ભગવદગીતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સૌ મંચસ્થ મહાનુભવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

સમારંભના અધ્યક્ષ સુધીર ગુપ્તાએ તેમના સંબોધનની શરૂઆત ઉપસ્થિત સૌને નૂતન વર્ષની શુભકામનાઓ આપીને કરી હતી અને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ પહોંચી રહી છે, ગામડામાં રહેતા કરોડો લોકો મુખ્યપ્રવાહમાં આવી રહ્યા છે અને આજે ભાજપના સાશનમાં 'નવા ભારત'નું નિર્માણ થઈ રહ્યું છે.

તેમણે મોદી સરકારની અનેક લોકહિતની યોજનાઓનો ઉલ્લેખ કરી ખરા અર્થમાં આજે દેશના ગરીબ નાગરિકને મૂળભૂત સુવિધાઓ મળતી થઈ છે તે અંગે સૌને માર્ગદર્શિત કર્યા હતા. ભાજપાની સુશાસન અને રાષ્ટ્રવાદની નીતિથી આજે ભારતે વિશ્વફલક પર આગવું સન્માન અને સ્થાન હાંસલ કર્યું છે. કરોડો કાર્યકર્તાઓ રૂપી ભાજપાનો પરિવાર એ ભાજપાની સૌથી મોટી તાકાત છે તેમ અંતમાં જણાવ્યું હતું.

પ્રદેશ મહામંત્રી રજની પટેલે મહાનગર ભાજપા સંગઠનને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કુશળ અને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં દેશએ હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે છણાવટ કરી હતી.

આ પ્રસંગે મહાનગરના પ્રભારી મોહનલાલ પટેલે તેમના સંબોધનમાં મહાનગરના તમામ કાર્યકર્તાઓને અથાક પરિશ્રમ કરીને ભાજપાને ભવ્ય અને ઐતિહાસિક વિજય અપાવવા બદલ તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યાં હતા. મહાનગરના મેયર હિતેશ મકવાણા, સ્ટે.ચેરમેન જસવંત પટેલે પણ પ્રાસંગિક ઉદ્ધબોધન કરી મહાનગર ભાજપા પરિવારના સૌ સભ્યોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

સ્નેહમિલ સમારોહમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિના ગીતો, શૌર્ય ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં યોગેશદાન ગઢવી, બિહારી હેમુદાન ગઢવી અને તેમની ટીમે ભાગ લઈ સમગ્ર વાતાવરણમાં દેશભક્તિની ઉર્જાનો સંચાર કર્યો હતો.

આ સ્નેહમિલન સમારોહમાં ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે.ચેરમેન જસવંતભાઈ પટેલ, પૂર્વ મેયર રીટા પટેલ, શાસક પક્ષના નેતા પારૂલબેન ઠાકોર, દંડક તેજલબેન નાયી, મહામંત્રીઓ સહિત સંગઠનના સૌ પદાધિકારીઓ, અગ્રણીઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...