જનસભા:ગુજરાતમાં ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે: ગજેન્દ્રસિંહ શેખાવત

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રીની પેથાપુરમાં જનસભા

વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપાના ઉમેદવાર રીટાબેન પટેલના સમર્થનમાં પેથાપુર ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રૂપમાં દેશને બે સિંહ આપ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લઈ કાશ્મીરને સાચા અર્થમાં ભારત સાથે જોડ્યું છે. અયોધ્યામાં દેશના કરોડો નાગરિકોની આસ્થા જે હતી તે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

ગુજરાતનું વિકાસ મોડલ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે. ત્યારે ગુજરાતમાં ભાજપાને પ્રચંડ વિજય મળશે તે સુનિશ્ચિત છે.’ શેખાવતે ભાજપાના ઉમેદવાર રીટા પટેલને વોટ આપી વિકાસની રાજનીતિને આગળ વધારવા લોકોને આહવાન કર્યું હતું. સભામાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. જનસભા સાથે જ ગાયિકા ઐશ્વર્યા મજમુદારે ગીત ગાઈને મનોરંજન પૂરું પાડ્યું હતું.

દહેગામમાં ભાજપના ઉમેદવારની ચૂંટણી પ્રચાર વિશાળ રેલી યોજાઇ
દહેગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ સહિત જિલ્લાની અન્ય ચાર બેઠકના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે ગુરુવારે દહેગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજવાની છે તે અગાઉ પ્રજામાં ભાજપનો માહોલ છવાય તેમજ ચૂંટણી પ્રચાર કાર્ય પણ થાય એવા આશયથી દહેગામ ભાજપ દ્વારા શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના આગમન ટાણે ભાજપ દ્વારા પ્રચાર કાર્યને વેગવંતુ બનાવવા દહેગામ ભાજપ દ્વારા શહેરના ઉમિયા માતાના મંદિરેથી રેલી કાઢવામાં આવી હતી જે રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રેલીમાં ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ તેમજ પાલિકાના સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...