ગુજરાત ભાજપે બે દિવસની ચિંતન બેઠકમાં રાજ્યની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનું મંથન કરી લીધું છે. અત્યાર સુધી ભાજપે 182 બેઠકો પર વિજય મેળવી કોંગ્રેસનો સફાયો કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું તેને સ્થાને હવે પાર્ટીએ અત્યાર સુધીની મહત્તમ બેઠકો મેળવીને સરકાર બનાવવા પર ભાર મૂક્યો છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ભાજપને સૌથી વધુ 127 બેઠકો 2002ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં હિન્દુત્વની પ્રચંડ લહેર હેઠળ મળી હતી. જ્યારે કોંગ્રેસ શાસિત તત્કાલિન સરકારના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 1985ની ચૂંટણીમાં મહત્તમ 149 બેઠકો મેળવી હતી.
ચિંતન બેઠક બાદ ગુજરાત ભાજપે સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પ્રેસ સંબોધન માટે મોકલ્યા હતા, તેમાં વાઘાણીને પત્રકારોએ બેઠકમાં કેટલી સીટો જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો તે પૂછ્યું તેના જવાબમાં એટલું કહ્યું કે પાર્ટી અત્યાર સુધીની મહત્તમ બેઠકો જીતશે. આ દરમિયાન તેમણે આંકડા અંગે ફોડ પાડવાનું ટાળ્યું હતું. ગુજરાતમાં રાજકારણ અને સમાજકારણને લઈને હાલ સર્જાયેલાં સમીકરણો અંગેના પાસા ચકાસ્યા બાદ ભાજપ આ તારણ પર આવ્યું છે કે કોઇ આંકડો બેઠકોને લઇને જાહેર ન કરવો.
આ અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને તત્કાલીન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 151 બેઠકોનો દાવો કર્યો હતો. તેની સામે ભાજપને આ ચૂંટણીમાં 99 બેઠક મળી હતી અને તેની સામે કોંગ્રેસે 1995 બાદ સૌથી વધુ 77 બેઠકો મેળવી હતી. અમદાવાદના બાવળા પાસેના એક વૈભવી રીસોર્ટમાં ગુજરાત ભાજપની ચિંતન બેઠક બે દિવસ માટે મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓએ આગામી ચૂંટણી માટે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરીને ચૂંટણી સુધીનો એક રોડમેપ તૈયાર કર્યો છે.
આદિવાસી, દલિત, ઓબીસી મતદારો પર ધ્યાન કેન્દ્રિત
ગુજરાત ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 90 ટકા કરતાં વધુ બેઠકો જીતીને ખૂબ આત્મ વિશ્વાસમાં છે કારણ કે પાર્ટીએ અત્યાર સુધીમાં આ રીતે પહેલાં ક્યારેય આટલી બેઠકો મેળવી ન હતી. પાર્ટીએ સંગઠન માટે પેજ પ્રમુખની કાર્યપદ્ધતિ અપનાવીને કાર્યકર્તાઓનો બેઝ મજબૂત બનાવ્યો છે. તેમાં પણ 2017 પછી ગળાતી ગયેલી કોંગ્રેસને કારણે તેમને બળ મળ્યું છે. પરંતુ ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી જેવી નવી પાર્ટીનો પ્રવેશ થયો છે અને તેના કારણે ગમે ત્યારે સમીકરણો વકરી શકે છે. ભાજપની ચિંતન બેઠકમાં આ બાબત જ સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હોવી જોઇએ.
2017ની ચૂંટણી વખતે વિવિધ સમાજોએ ભજવેલી ભૂમિકા અને આજની સ્થિતિએ વિવિધ સમાજોનો મૂડ જેવી બાબતો પર અહીં મંથન કરાયું છે. ભાજપે આ બેઠકમાં 2017ની વિધાનસભા, 2019ની લોકસભા અને 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પર ખૂબ વિમર્શ કર્યો છે. કઇ ચૂંટણીમાં કેવા પરિણામો કયા કારણોસર મળ્યાં તેનો નિચોડ અહીં કાઢવામાં આવ્યો છે. આ દરમિયાન ભાજપને સમજાયું છે કે હજુ ગુજરાતમાં કોંગ્રેસ સાવ નેસ્તનાબૂદ થઇ નથી. આદિવાસી, દલિત અને ઓબીસી સમાજમાં હજુ તેમનો દબદબો છે અને હવે આ મતદારો પર ભાજપ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
મોદીને ફરી PM બનાવવા ગુજરાત જીતવું પડે
આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આગામી 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની જીત પાયો નાંખશે. તેથી જો આવતી લોકસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવી હોય તો આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.