બેઠકોની જાહેરાત બાકી:ભાજપ અલ્પેશને કલોલથી ટિકિટ આપવા માગે છે, નિર્ણય હજુ બાકી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અલ્પેશ ઠાકોરને કારણે BJPએ 3 બેઠકોની જાહેરાત બાકી રાખી
  • રાધનપુર પર લડવા તૈયાર નથી, એક ઉમેદવારને કારણે પાટનગરની 4 બેઠકો પર સમીકરણો બદલાઈ રહ્યા છે

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને સલામત બેઠક પરથી ચૂંટણી લડવી છે આ માટે અલ્પેશ પોતાની મૂળ બેઠક રાધનપુરથી ગાંધીનગર દક્ષિણ પર આવવા માગે છે, જોકે અહીં તેમનો વિરોધ થઇ રહ્યો છે અને ભાજપ તેમને કલોલ બેઠક પરથી ટિકિટ આપવા માગે છે. જોકે અહીં તેમનો સામનો કોંગ્રેસના સિનિયર બળદેવજી ઠાકોર સાથે થશે.

ગાંધીનગની ત્રણેય બેઠકો ખાલી રાખવી પડી

આ કારણોસર ભાજપે રાધનપુર, કલોલ અને ગાંધીનગર દક્ષિણ એમ ત્રણેય બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ ત્રણેય બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારને જ ચૂંટણીના મેદાનમાં ઉતારશે પરંતુ અલ્પેશ ઠાકોર આ બાબતે સહમત ન થતા કોકડૂ ગૂંચવાયું છે. હવે આ કોકડું ઉકેલવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દિલ્હી પહોંચ્યા હોવાની વાત બહાર આવી છે. કલોલ અને ગાંધીનગર દક્ષિણ બંને બેઠકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તાર ગાંધીનગરમાં આવે છે. અલ્પેશ ઠાકોરની અનિર્ણાયકતાને કારણે ભાજપે રાધનપુર, ગાંધીનગર દક્ષિણ અને કલોલ એમ ત્રણેય બેઠકો ખાલી રાખવી પડી છે.

ગાંધીનગર જિલ્લાની બાકી રહેલી ચારેય બેઠક પરના સમીકરણો સતત બદલાઇ
​​​​​​​બીજી તરફ અલ્પેશની બેઠક નક્કી નહીં થઇ શકતા ગાંધીનગર જિલ્લાની બાકી રહેલી ચારેય બેઠક પરના સમીકરણો સતત બદલાઇ રહ્યા છે. દક્ષિણ બેઠક ઠાકોર સમાજને આપવાના સંજોગોમાં ગાંધીનગર ઉત્તર અને કલોલમાં પટેલ તેમજ માણસામાં ચૌધરી સમાજને ટિકિટ આપવાની ગણતરી હતી પરંતુ અલ્પેશ જો કલોલમાં લડે તો ગાંધીનગર ઉત્તરની સાથે માણસામાં પણ પટેલ ઉમેદવારને ટિકિટ આપવાની થાય છે. આ કારણોસર માણસાના હાલના દાવેદાર અમિત ચૌધરીને ખેરાલુથી લડવાની ઓફર પાર્ટીએ આપી હોવાનું જાણવા મળ્યું છે જોકે અહીં અર્બુદા સેનાનો પ્રભાવ હોવાથી અમિત ચૌધરી ખેરાલુ બેઠક પરથી લડવા માટે તૈયાર નથી. તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર લડવા ન મળે તો ચૂંટણી લડવાના મૂડમાં નથી.

ગાંધીનગરમાં મહિલા દાવેદારને ત્યાં સમર્થકો ઉમટ્યા
ગાંધીનગર જિલ્લાની 4 બેઠકો પર ટિકિટ ફાળવણી અટવાઇ પડી છે અને દાવેદારોમાં અસમંજસની સ્થિતિ છે ત્યારે ગાંધીનગર ઉત્તરમાં પૂર્વ મેયર રીટા પટેલનું નામ નક્કી હોવાની ચર્ચા શરૂ થતા તેમના ઘરે સમર્થકો અભિનંદન આપવા ઉમટી પડ્યા હતાં. ગાંધીનગરમાં રીટા પટેલની ટિકિટ ફાઇનલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ ભાજપ તરફથી કોઇ સત્તાવાર સમર્થન નહીં મળતા સમર્થકો રવાના થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...