ચૂંટણીઓમાં અનામતની જાહેરાત:ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ઓબીસી સમાજનો વિશ્વાસ કેળવવા ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ શરૂ

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
  • થોડા સમયમાં ઓબીસી જ્ઞાતિ માટે ચૂંટણીઓમાં અનામતની જાહેરાત થશે

ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તીનું પ્રમાણ 52 ટકા છે. રાજ્યની આ સૌથી મોટી વોટ બેંકને રિઝવવા ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી ભાજપે પોતાનું સોશિયલ એન્જિનિયરિંગ ચાલુ કર્યું છે. ઓબીસી સમાજને લઇને ભાજપે પોતાની રણનીતિ અનુસાર ચાલવાનું શરૂ કરી દીધું છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લાં કેટલાંક દિવસોમાં ઓબીસી સમાજની વિવિધ જ્ઞાતિના લોકોને પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપીને સંમેલનો યોજી રહ્યા છે.

ઇચ્છાઓ અને માગણીઓને સાંભળીને તે અનુસાર વાયદા
મુખ્યમંત્રી પટેલે વિશ્વકર્મા, રાણા, ઓડ, ગોસ્વામી,રામાનંદી સાધુ, વાળંદ અને વણઝારા સમાજની સાથે અત્યાર સુધીમાં આવાં સંમેલનો કર્યાં છે અને હજુ આગામી દિવસોમાં તેઓ આ જ રીતે વિવિધ સમાજના સંગઠનોને ગાંધીનગર બોલાવીને તેમની ઇચ્છાઓ અને માગણીઓને સાંભળીને તે અનુસાર વાયદા પણ કરી રહ્યા છે. ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર ઓબીસી જ્ઞાતિઓને ભાજપ પહેલેથી મહત્ત્વ આપે છે. થોડા સમયમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટેની અનામત બેઠકોના પ્રમાણની જાહેરાત થશે.

કોંગ્રેસ પોતાની કોર વોટબેંક ‘ખામ’ તરફ
કોંગ્રેસે ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સમીકરણવાળી KHAM થિયરી પર વળી છે. આ પ્રમાણે તેમણે પોતાના સંગઠનમાં હોદ્દા આપવાથી માંડીને અન્ય રીતે કોળી, ઠાકોર, દલિત, આદિવાસી અને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધીઓને સ્થાન આપ્યું છે. આ જ્ઞાતિઓના મત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાય તેવા કિસ્સામાં ભાજપે નાની જ્ઞાતિઓને સાચવી હોય તો તેનો ફાયદો મળી શકે છે.

‘આપ’નું છારા સમાજ સાથે સંમેલન
આ તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં છારા સમાજના લોકો સાથે સંમેલન કર્યું છે. તેઓએ પોતાના સંગઠનમાં છારા સમાજના લોકોને સ્થાન આપવાનું પણ નક્કી કર્યું છે. વિચરતી અને વિમુક્ત જાતિના સમુદાયના લોકો કોઇ એક બેઠક પર વધુ પ્રભાવી નથી પરંતુ અલગ-અલગ બેઠકો પર તેઓ ક્યારેક નિર્ણાયક સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...