પોલીસ ગ્રેડ પેનો મામલો:ગાંધીનગરના માણસાના ભાજપ નેતાએ પોલીસ જવાનોને ચોર કહી વાલિયા લૂંટારા સાથે સરખાવ્યા, વિવાદ થતાં પોસ્ટ ડિલિટ કરી

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • પોલીસ ગ્રેડ પે મુદ્દે કેજરીવાલના નિવેદન બાદ માણસા ભાજપના નેતા ગુરુભા અનોડિયાએ વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી
  • પંચાયત સભ્ય સામે કડક પગલાં લેવાશે : જિલ્લા ભાજપ-પ્રમુખ અનિલ પટેલ

છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે મામલે ગુજરાત પોલીસમાં ભાજપા સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એવામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસને શ્રેષ્ઠ પગાર આપવાનું વચન આપતાં જ રાજ્ય પોલીસ કર્મચારીઓએ પોતાના વોટ્સએપમાં AAP અને અરવિંદ કેજરીવાલના સ્ટેટસ વહેતા કર્યા છે . ત્યારે આ સળગતા મુદ્દે માણસા તાલુકા પંચાયતના ભાજપા સભ્ય ગુરુભા અનોડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું હતું કે, 'દિલ્હીના ચોરે ગુજરાતના ચોરો જોડે સમર્થન માંગ્યું', 'ગ્રેડ પે વધે તો હપ્તાખોરી બંધ કરી દેવાની'. ગુરુભાએ ગુજરાત પોલીસના જવાનોને ચોર કહી વાલિયા લૂંટારા સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે. જેનાં કારણે પોલીસ કર્મચારીઓમાં ભાજપ નેતા સામે વ્યાપક રોષ ભભૂકી ઉઠયો છે.

પોલીસ ગ્રેડ પેનાં સળગતા મામલામાં બળતામાં ઘી હોમવામાં આવ્યું
પોલીસ ગ્રેડ પે મામલો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા પર છે. અનેક વખત માગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. વર્ષ 2021ના ઓક્ટોબર માસમાં પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન ચાલ્યા બાદ સરકારે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિની એક મુદત ડિસેમ્બર 2021માં પૂરી થયા બાદ ફરીથી એક વખત સમિતિની ટર્મ રિન્યુ કરી અને એપ્રિલ 2022 સુધી કરવામાં આવી હતી.

'રોડ પર ગાડી ઉભી રાખી ભીખ માંગતા ચોરો ગ્રેડ પે વધે તો હપ્તા ખોરી બંધ કરજો'
સત્તાનાં નશામાં ચૂર માણસા ભાજપા તાલુકા પંચાયતના સભ્ય ગુરુભા અનોડીયાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાત પોલીસને સંબોધીને ફરી રહેલાં મેસેજમાં લખવામાં આવ્યું છે કે, 'રોડ પર ગાડી ઉભી રાખી ભીખ માંગતા ચોરો ગ્રેડ પે વધે તો હપ્તા ખોરી બંધ કરી દેજો, હપ્તાખોરો હૃદય ઉપર હાથ રાખીને કહેજો તમે જે કરો છો એ યોગ્ય છે', 'તમે આજના યુગના વાલિયા લુંટારા છો લુંટારા', 'દિલ્હીનો એક ચોર ગુજરાતના ચોરો જોડે સમર્થન માંગ્યું' સહિતની વણમાંગી સલાહ આપીને બળતામાં ઘી હોમવામાં આવ્યું છે.

આજ સુધી પોલીસ ગ્રેડ પે મામલે કોઈ નિર્ણય આવ્યો નથી
સરકારને સમિતિએ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટની અંદર અલગ અલગ રાજ્યોમાં અમલી ગ્રેડ પે સાથે ગુજરાતની સરખામણી કરવામાં આવી છે. ગુજરાતમાં પોલીસ માટે ગ્રેડ પે પ્રમાણમાં ઓછો છે, તેથી રિપોર્ટ સોંપતી વખતે ભલામણ કરવામાં આવી છે કે જ્યાં સુધી ગ્રેડ પે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી વચગાળાના પેકેજ જાહેર કરીને પોલીસકર્મચારીઓને લાભ આપવો જોઈએ.પણ આજ સુધી પોલીસ ગ્રેડ પે મામલે કોઈ ખાસ નિર્ણય આવ્યો નથી.

ગુરુભા અનોડિયાની ફાઈલ તસવીર
ગુરુભા અનોડિયાની ફાઈલ તસવીર

ગુજરાત પોલીસને શ્રેષ્ઠ પગાર આપવાની જાહેરાત કરતાં પોલીસ કર્મચારીઓમાં આશાનું કિરણ જાગ્યું
આ સળગતા મુદ્દે ભાજપના ઉચ્ચ નેતાઓ પણ કોઈ નિવેદન કરવા માટે તૈયાર નથી. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસને શ્રેષ્ઠ પગાર આપવાની જાહેરાત કરતાં પોલીસ કર્મચારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે. ગઈકાલથી પોલીસ કર્મચારીઓ અરવિંદ કેજરીવાલનાં ફોટાને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં શેર કરવા લાગ્યાં છે.

પંચાયત સભ્ય સામે કડક પગલાં ભરવામાં આવશે: જિલ્લા પ્રમુખ અનિલ પટેલ
આ અંગે ભાજપા જિલ્લા પ્રમુખ અનિલ પટેલે પક્ષનો બચાવ કરતાં કહ્યું હતું કે, પંચાયત સભ્ય ગુરુભા અનોડિયાને કોઈ પોલીસ કર્મચારીએ મેસેજ કર્યો હતો. જે તેમણે સોશ્યલ મીડિયામાં ફરતો કર્યો હતો. માણસાનાં પ્રમુખને મોકલીને તમામ મેસેજ ડિલિટ કરાવી દીધા છે. પક્ષની છબી ખરડાઈ એ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે. પંચાયત સભ્ય સામે કડક પગલાં ભરવામાં આવશે તેમ વધુમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...