આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપા દ્વારા અત્યારથી જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેનાં ભાગરૂપે ગાંધીનગરના કુડાસણમાં ભાજપનું સંયુક્ત કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કરી કાર્યકરોને વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત હાંસલ કરવા કામે લાગી જવા માટે આહ્વાન પણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આઠ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગર મહાનગર તેમજ ગાંધીનગર જિલ્લા ભાજપાનું સંયુક્ત કાર્યકર્તા સંમેલનનાં કુડાસણ ખાતે યોજાયું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબાજી, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ એચ.એસ. પટેલ, મહાનગરના પ્રભારી મોહનલાલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, મહાનગર ભાજપા પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડીંગ ચેરમેન સહિત ભાજપા સંગઠનના હોદેદારો , ચુંટાયેલા સભ્યઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશની ભૂતકાળની સરકારો દ્વારા મુખ્યધારાથી દૂર રખાયેલા અને ફક્ત વોટબેન્ક તરીકે વર્ષો સુધી જેમનો ઉપયોગ કરાયો તેવા દેશના ગરીબ, વંચિત, શોષિત, પીડિત નાગરિકોને મુખ્ય પ્રવાહમાં લાવી તેને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાની દશામા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક ઢબે કામગીરી કરવામાં આવી છે.
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની વ્યથા હતી કે, કેન્દ્રથી મોકલેલા 1 રૂપિયામાંથી લાભાર્થી જોડે 15 પૈસા જ પહોંચે છે .પણ આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં લાભાર્થીને હકનો એક એક રૂપિયો સીધો સંપૂર્ણ રીતે તેના બેન્ક ખાતામાં પહોંચે છે. દેશને ગુજરાતની ધરતીના પનોતા પુત્રો મહાત્મા ગાંધી-સરદાર પટેલની જોડીએ સ્વરાજ અપાવ્યું અને આજે એ જ ગુજરાતની ધરતીના બે પુત્રો નરેન્દ્રભાઇ મોદી- અમિત શાહ દેશમાં સૂશાસનની સ્થાપના કરી રહ્યા છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ભુલાવવાનો પ્રયાસ કર્યો તો સામે પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવીને તેમના વિશાળ રૂપ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને વૈશ્વિક પટલ પર રજૂ કર્યું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ વિકાસના આધારે વોટ માંગવાની શરુઆત કરી.
અગાઉ ફક્ત જ્ઞાતિવાદી સમીકરણોના આધારે ચૂંટણીઓ લડાતી પરંતુ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં પરફોર્મન્સ બેઝ્ડ ઇલેક્શનની નવી શરૂઆત ગુજરાતથી થઈ. દેશના કરોડો નાગરિકોએ તત્કાલીન મુખ્યમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સમર્થન આપી 2014માં પ્રચંડ જનાદેશ સાથે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી મોદીને દેશનું પ્રધાનમંત્રી પદ સોંપ્યું અને દેશમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આયામો સર થવાની શરૂઆત થઈ.
રૂપાલાએ દેશના ગરીબને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડતી જનધન યોજના(45 કરોડથી વધુ જનધન બેન્ક ખાતા), ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરથી લાભાર્થીનો હકનો પૈસો સંપૂર્ણ રીતે બેન્કના ખાતામાં પહોંચાડવાની વ્યવસ્થા, દેશના 50 કરોડ નાગરિકોને આવરી લેતી અને વાર્ષિક 5 લાખ સુધીનો આરોગ્ય વીમા કવચ આપતી આયુષમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, 11 કરોડ શૌચાલય નિર્માણ સહિત દેશના ગરીબવર્ગને મૂળભૂત જરૂરિયાત પૂર્ણ કરતી કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે આગવી શૈલીમાં છણાવટ કરી હતી. ઉપરાંત દેશના પરાક્રમી જવાનોના અંતકવાદને પાકિસ્તાનમાં જઈને અપાયેલા મૂંહતોડ જવાબ એવી સર્જીકલ સ્ટ્રાઇક અંગે વિપક્ષ દ્વારા પુરાવા માંગવાએ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત કહી શકાય.આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્ર તથા રાજ્યની ભાજપા સરકારની ઉપલબ્ધિઓ તેમજ કાર્યકર્તાઓએ સમર્પિત ભાવથી કરેલી મહેનતના ફળસ્વરૂપ ગાંધીનગર જિલ્લા તેમજ મહાનગરના સીમાંકનમાં આવતી તમામ વિધાનસભા બેઠકોને ભવ્ય લીડથી જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.