હિન્દુત્વની પ્રયોગશાળા!:ભાજપ સરકાર ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાવવાની તૈયારીમાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • AAPના ગણેશ-લક્ષ્મીજી સામે ગુજરાતમાં BJPનો ‘યુનિફોર્મ સિવિલ કોડ’

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવામાં હવે માંડ પાંચ-સાત દિવસની વાર છે, ત્યાં રાજ્ય સરકારે મોટો દાવ ખેલી લીધો છે. આચારસંહિતા અમલી થાય તે પહેલા સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની મંજૂરી આપી દીધી હતી. સરકારે કહ્યું છે કે જો આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર બનશે તો સમાન નાગરિક ધારો લાગુ કરાશે. આ માટે પહેલાં સરકાર સુપ્રીમ કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયધીશના વડપણ હેઠળ એક કમિટી બનાવશે જેમાં ત્રણ કે ચાર નિષ્ણાત હશે, તેઓ મળીને ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવો કે નહીં અથવા તો કેવી રીતે કરવો તે નક્કી કરી સરકારને જણાવશે.

આ નિર્ણય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો પરંતુ તેની જાહેરાત ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પરથી કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી. તેમણે જણાવ્યું કે અમારા પક્ષ ભાજપના ત્રણ મહત્ત્વના મુદ્દા રહ્યા છે, રામ મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી 370ની કલમની નાબૂદી અને દેશમાં દરેક નાગરિકો માટે સમાન નાગરિક ધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર જન સમુદાયના હિતને ધ્યાને લઇને આ નિર્ણય લીધો છે.

બહુપત્નીત્વ-તલાકના કાયદા પર અને વકફની સંપત્તિ પર અંકુશ
સમાન નાગરિક ધારા હેઠળ રાજ્યના દરેક નાગરિક માટે એક જ પ્રકારના દીવાની કાયદા લાગુ રહેશે, જેમાં લગ્ન, છૂટાછેડા, દત્તક સંતાન, વારસાઇ, મિલકતની વહેંચણી, ધાર્મિક મિલકતો વગેરે માટે વિવિધ ધર્મ પાળનારા માટે જુદા પર્સનલ લૉ બોર્ડ છે તેને સ્થાને દરેકને એક જ કાયદો હશે. તેથી મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને તલાકના નિયમો પર અંકુશ આવશે. એવી જ રીતે, મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓની વકફ બોર્ડની મિલકતો પર અન્ય સખાવતી સંસ્થાઓ પર લાગુ પડતાં કાયદા જ લાગુ થશે.

સરકારે હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી કે કયા નિયમો બનશે.
આ જાહેરાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ કહ્યું કે હજુ રાજ્ય સરકારે આ કાયદામાં કયા નિયમો અને મુસદ્દા આવરી લેવા તે અંગે કોઇ જાહેરાત કરી નથી. જજના વડપણ હેઠળની કમિટી બન્યા બાદ તેઓ સરકારને અભિપ્રાય આપશે.

આ મુદ્દો ચૂંટણીમાં મોટો ગેમ ચેન્જર બની શકે.
વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર આ મુદ્દે પ્રચારનો ધમધમાટ કરશે. બહુમતી મતદારો માટે આ પ્રકારનો પ્રચાર આકર્ષક રહેશે. ભાજપ તેના સોફ્ટ હિન્દુત્વના મુદ્દાને આ રીતે આગળ ધપાવશે.

ગોવામાં કાયદો લાગુ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલે જાહેરાત કરી લાગુ નથી

ગોવામાંથી વિદેશી શાસન ખતમ થયા પછી રાજ્ય સરકારે સમાન નાગરિક ધારો લાગુ કરેલો છે અને તે ભારતનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં આ કાયદો છે. ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશની ભાજપ શાસિત રાજ્ય સરકારોએ વિધાનસભાની ચૂંટણી પહેલા આ કાયદો લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત હિમાચલે પણ આવી જ જાહેરાત કરી હતી. અલબત્ત ત્રણમાંથી એક પણ ભાજપ શાસિત રાજ્યે હજુ સુધી આ કાયદો અમલી કર્યો નથી.

કાયદો લાગુ કરવો ઘણો અઘરો બની રહેશે
આ કાયદો લાગુ કરવો સરકાર માટે અઘરો રહેશે. જાહેરાત કર્યાંને દોઢ વર્ષ થયું છતાં ઉત્તરાખંડ સરકાર આ મુદ્દે હજુ કાંઇ ખાસ કરી શકી નથી.
આદિવાસીઓનું શું?
હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 14 ટકા આદિવાસીઓ માટે આ કાયદો લાગુ રહેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી. જો આ કાયદો દરેક માટે લાગુ થાય તો આદિવાસી સમાજમાં એક કરતાં વધુ લગ્નો અને તેમની મિલકતના વેચાણ પણ મૂકાયેલા પ્રતિબંધોને લઇને પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે.
માત્ર ભાજપ શાસિત રાજ્યો જ આ કરશે.
અગાઉ કેન્દ્ર સરકાર સુપ્રીમમાં સોગંદનામું કરીને જણાવી ચૂકી છે કે તેઓ સંસદને સમાન નાગરિક ધારો લાગુ કરવા જણાવી શકે નહીં. અલબત્ત ગોવાના સિદ્ધાંત પ્રમાણે અને બંધારણની કલમ 14 પ્રમાણે રાજ્ય સરકારો તેમના અધિકાર ક્ષેત્રમાં આ કાયદો લાગુ કરી શકે છે. તેથી આ કાયદા ફક્ત ભાજપ શાસિત રાજ્યોમાં જ લાગુ થાય એવું બની શકે છે.

નાગરિકોને સમાનતાનો હક
બંધારણની કલમ 14ના સિદ્ધાંત પ્રમાણે કાયદો દરેક માટે સમાન હોવો જોઇએ કારણ કે નાગરિકોને સમાનતાનો અધિકાર છે. ભારતમાં કાયદામાં સમાનતા જરૂરી છે અને તો જ આપણે એક સંગઠિત રાષ્ટ્ર તરીકે ગણાાઈશું. ભારતમાં વિવિધ ધર્મ માટે કાયદામાં વિસંગતતા છે તે દૂર થવી જોઇએ. વિકસિત દેશોમાં કાયદામાં આવી વિસંગતતા ધર્મને આધીન નથી. - જાલ સોલી ઊનવાલા, વરિષ્ઠ એડવોકેટ અને બંધારણ નિષ્ણાત

ભાજપનું મતોનું રાજકારણ
ગુજરાતની ભાજપ સરકારે આ ગતકડું ચૂંટણી પહેલાં માત્ર વોટબેંક પોલિટિક્સ માટે જ કર્યું છે. આ કાયદો ટકી શકે તેમ નથી કારણ કે બંધારણીય જોગવાઈ તેને સુસંગત નથી. હાલ જ્યાં બેરોજગારી, ગરીબી, મોંઘવારી જેવા મુદ્દા ગુજરાતના મતદારોને પરેશાન કરી રહ્યા છે ત્યારે તેમને તેમાંથી રાહત આપવાને બદલે સરકાર આવાં મુદ્દા ચગાવી રહી છે. - અર્જુન મોઢવાડિયા, વરિષ્ઠ નેતા, કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...