પ્રેમલગ્નમાં માતાપિતાની સહી ફરજિયાત કરવી જોઇએ:લવમેરેજ માટે માતા-પિતાની સંમતિનો કાયદો લાવવા ભાજપ-કોંગ્રેસની માગણી

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રેમલગ્નથી ક્રાઈમ વધે છે, વિધાનસભામાં ધારાસભ્યોએ તર્ક રજૂ કર્યો
  • કોર્ટ મેરેજમાં માતાપિતાની સહી કરવાનો કાયદો લાવો, પરિણામો કરુણ હોય છે

ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ એક સૂરમાં મત વ્યક્ત કર્યો છે કે, રાજ્યમાં નોંધાતા પ્રેમલગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતાપિતાની સહી કરાવવી ફરજિયાત હોવી જોઇએ. માતાપિતાની સંમતિ વિના થતા લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે અને તેના કારણે ગુજરાતમાં ક્રાઈમ વધે છે.

પ્રેમલગ્નમાં માતાપિતાની સહી લેવાનો નિયમ ફરજિયાત કરવો જોઇએ
વિધાનસભામાં કાયદા વિભાગની બજેટની માગણી પરની ચર્ચા દરમિયાન ધારાસભ્યોએ સામાજિક મુદ્દાઓને રજૂ કરીને લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં પણ ધરમૂળથી ફેરફાર કરવાના સૂચનો કર્યા હતા.
ભાજપના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે એવી માગ કરી હતી કે, પ્રેમલગ્નમાં માતાપિતાની સહી લેવાનો નિયમ ફરજિયાત કરવો જોઇએ. આવા લગ્નોનો કરૂણ અંજામ આવતો હોવાથી આ કાયદાથી સામાજિક રીતે ફાયદો થશે.

લલચાવીને કેટલાક અસામાજિક તત્વો લગ્ન કરે
પ્રેમ પ્રકરણમાં લલચાવીને કેટલાક અસામાજિક તત્વો લગ્ન કરે છે. અણસમજને કારણે ઉતાવળમાં પ્રેમલગ્ન કરી લેતી યુવતીને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવે ત્યારે તેને કોઈ પક્ષ સ્વીકારવા તૈયાર હોતો નથી અને તેના માટે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. આથી લવ મેરેજથી ક્રાઇમ પણ વધે છે.

સાક્ષી તરીકે માતાપિતાની સહી કરાવવી ફરજિયાત હોવી જોઇએ
​​​​​​​ભાજપના ધારાસભ્યની વાતમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આંતર સમાજમાં લગ્ન થતા હોય ત્યારે સમાજના પંચોની હાજરી પણ ફરજિયાત કરવી જોઇએ. જો પંચ અનુમતિ આપે તો જ આવા આંતરજ્ઞાતિય લગ્નોને બહાલી આપવી જોઇએ. ગેનીબેને આ મુદ્દો ચૂંટણી પહેલાં પોતાની રાજકીય સભાઓમાં અને ખાસ તો ઠાકોર સમાજના સંમેલનમાં પણ ઉઠાવ્યો હતો. તેમણે ઠાકોર સમાજની અંદર થતા આંતરજ્ઞાતિય લગ્નો સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેના પર અંકુશ લાવવો જોઇએ તેવી હિમાયત પણ કરી હતી.

પાટીદાર સમાજે પણ સમર્થન આપ્યું
​​​​​​​
​​​​​​​વિધાનસભાની કાર્યવાહી જોવા માટે આવેલા કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુ પટેલે પણ ધારાસભ્યોની આ વાતનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે પાટીદાર સમાજ વતી સરકારને લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી ફરજિયાત કરતો કાયદો બનાવવાની રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...