ત્રિપાંખીયો જંગ:ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ત્રિપાંખીયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આપનો 'લીટમસ ટેસ્ટ' થઈ શકે, બીજેપી માટે કોર્પોરેશનની ચૂંટણી શરદર્દ સમાન

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો લોક સભા મત વિસ્તાર હોવાથી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ
  • આમ આદમી પાર્ટી પાર્ટી ભાજપ-કોંગ્રેસનું ગણીત બગાડી નાખશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રીજી ઓક્ટોબરે યોજાનાર ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. ત્યારે કોર્પોરેશનની ચુંટણીમાં ત્રણેય પક્ષનો લીટમસ ટેસ્ટ પણ થઈ જશે. જ્યારે દર વખતની જેમ આ ચૂંટણી પણ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાનો છે. કેમકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના સાંસદ હોવાના નાતે પણ કોઈપણ સંજોગોમાં કોર્પોરેશનની ચૂંટણી જીતીને જ બતાવવી પડશે. આમ નહીં થાય તો લોકસભાના સાંસદનાં રોષનો ભોગ સ્થાનિક નેતાઓને બનવું પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે મોકૂફ રખાયેલી કોર્પોરેશનની ચૂંટણી આગામી ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાવાની છે. મનપાની ચૂંટણી માટે 284 બુથો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. કોર્પોરેશનમાં નવા ભળેલા વિસ્તારો બાદ 11 વોર્ડ અને 44 બેઠકો માટે 163 મુરતિયા મેદાનમાં છે. જેમાં વોર્ડ નંબર-8માં આપના ઉમેદવાર તેમજ વોર્ડ -9માં બહુજન સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારનું અવસાન થતાં બંને વોર્ડમાં નવા ઉમેદવાર ઉભા રાખવા પડશે.

નવા સીમાંકન પછી કોર્પોરેશન વિસ્તારના 2.82 લાખ મતદારો પૈકી 1.37 લાખ સ્ત્રી, 1.45 લાખ પુરુષ અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ વખતની ચૂંટણીમાં ત્રણેય પક્ષો દ્વારા એડીચોંટીનું જોર લગાવી દેવામાં આવશે. કોરોનાનાં મોતના તાંડવ પછી જે પ્રકારે પ્રજાને ખાટલા, બાટલા અને લાકડા માટે વલખાં મારવા પડ્યા હતા. તે જોતાં ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે મહાનગર પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી વોર્ડ દીઠ ચારસો જેટલા કાર્યકર્તાઓ ની ફોજ તૈયાર કરી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. એક હજાર કાર્યકર્તાઓ વોર્ડ દીઠ સક્રિય કરવામાં કરવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની આંતરિક લડાઈને બાજુ પર મૂકીને કોવિડ ન્યાય યાત્રા તેમજ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને આગળ વધી રહી છે. પરંતુ કોંગ્રેસ તેની આંતરિક લડાઈના કારણે ચૂંટણી જીત્યા પછી પણ હારનો સામનો કરી રહી છે. જેનું પુનરાવર્તન ન થાય તે દિશામાં જિલ્લા પ્રમુખ સૂર્ય સિંહ ડાભી તેમજ શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા ધ્વારા ખાસ ધ્યાન કેંદ્રિત કરવામાં આવી રહ્યું છે.

એજ રીતે સુરત કોર્પોરેશનમાં 27 સીટ કબ્જે કર્યા પછી ગાંધીનગરના રાજકારણ માં પણ આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. જો કે સુરત સિવાય અન્ય શહેરોમાં આપ કાંઈ ખાસ પર્ફોમન્સ આપી શકી નથી. જો કે કોરોના મહામારી, કોર્પોરેશનનાં ભ્રષ્ટાચાર, પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી સહિતના સળગતા મુદ્દાને ધ્યાને રાખી આપ પાર્ટી શરૂઆતથી જ આક્રમક અને સક્રિય કામગીરી કરી રહી છે.

આમ આદમી પાર્ટી શહેર પાંખ ધ્વારા પણ 108 યુવાનોની ફોજ તૈયાર કરી નગરની સમસ્યાનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. જે રીતે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂઆતથી જ ગ્રાસ રૂટ લેવલથી પ્રચાર પ્રસાર શરૂ કરી સ્થાનિક સમસ્યાઓને આગળ રાખી ઘરે ઘરે જઈને વસાહતીઓને પડતી મુશ્કેલીઓ સાંભળી તેના સમાધાન માટે કરવામાં આવતી કામગીરીથી આ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ મતોનુ ધ્રુવીકરણ થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે.

કોર્પોરેશનની ચુંટણીમાં ત્રિપાંખીયા જંગમાં કોરોના કાળમાં નગરજનોને પડેલી તકલીફોનાં કારણે પણ ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. એમાંય પ્રદેશ કક્ષાએથી વય મર્યાદાનું ગતકડું લાવીને ગાંધીનગરમાં ભાજપા માટે તેલ રેડનાર સિનિયર અને અનુભવી કાર્યકર્તાઓનાં પત્તા કાપી સાઈડ લાઈન કરી નાખવામાં આવ્યા છે. જેનાં કારણે પણ અંદરખાને સિનિયર નેતાઓમાં પણ રોષ છે. તેઓ પણ કોઈને કોઈ ભોગે ભાજપનાં ઉમેદવારોની કારમી હાર થાય તે દિશામાં સક્રિય થઈ ચૂક્યા છે. જેથી કોર્પોરેશનની આ ચૂંટણી પણ ભાજપા માટે શિર દર્દ સમાન બની ગઈ છે. હાલ ત્રણેય રાજકીય પક્ષો મતદારોને રીઝવવા ફરી પાછા મેદાનમાં આવી ચૂક્યા છે. પણ ગાંધીનગરની ચુંટણીમાં ત્રણેય પક્ષો નો લીટ મસ ટેસ્ટ થઈ જશે. અને કોણ કેટલા પાણીમાં છે તે પણ બહાર આવી જશે.

અન્ય સમાચારો પણ છે...