ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. દરેક પાર્ટીએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના દહેગામ વિધાનસભાના ઉમેદવાર એવા સીટિંગ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પોતાના સમર્થકો સાથે આજે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ગાંધીનગર વિધાનસભાની પાંચ બેઠકો પૈકીની દહેગામ બેઠક પર આ વખતે ભાજપે સીટિંગ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. એક સમયે આ બેઠક ભાજપનો ગઢ હતી. પરંતુ 2002માં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી અને સળંગ ત્રણ ટર્મ એટલે કે 2002,2007 અને 2012માં કોંગ્રેસ જીતી હતી પરંતુ 2017માં ભાજપે આ બેઠક જીતી લીધી હતી. ભાજપના બલરાજસિંહ ચૌહાણનો 10,860 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 74,445 મત મળ્યા હતા. એટલે આ વખતે પણ ભાજપે અહીં રિપીટ થિયરી અજમાવી છે.
જે અન્વયે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ સાથે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પોતાના મધ્યસ્થ કાર્યાલય બાલમુકુંદથી દહેગામ સેવા સદન તરફ રેલી સ્વરુપે તેમણે કાર્યકરો સાથે કૂચ કરતાં કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. તો ઠેર ઠેર ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આવકારવામાં પણ આવ્યા હતા.
આજથી તેમણે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા
આજે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યાં હતા. પોતાના ટેકેદારો સાથે દહેગામ સેવા સદન કચેરી પહોંચી ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને રજૂ કર્યું હતું. તે પહેલા પોતાના મત વિસ્તારમાં મોટી સંખ્યામાં જન સમુદાયને સંબોધન કરી અને દરેક સમાજના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી અને જંગી મતથી પોતાનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.