અકસ્માત:અક્ષરધામ પાસે બલેનો કારની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ બાઈક સવારનું અમદાવાદ સિવિલમાં મોત

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

ગાંધીનગરના અક્ષરધામ મંદિર પાસેના રોડ પર ત્રણ દિવસ અગાઉ બલેનો કારની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ બાઈક સવારનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા સેકટર - 21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગરના બોરીજ ગામે રહેતાં 18 વર્ષીય સાહિલ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના પિતા રમેશભાઈ પરમાર સરગાસણ ખાતે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. ગત તા. 17 મી જાન્યુઆરીના રોજ રમેશભાઈ બાઈક લઇને અક્ષરધામ મંદિર પાસેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.

તે દરમ્યાન બલેનો કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેદરકારીથી હંકારી બાઈકને ટક્કર મારી હતી. આ ઘટનાની જાણ થતાં સાહિલ અને તેની માતા સુરેખાબેન તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. તે સમયે બાઈક અને કાર સ્થળ પર જ પડ્યા હતા. જ્યારે તેના પિતા રમેશભાઈ ને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની જાણ થતાં માતા પુત્ર પણ સિવિલ પહોંચી ગયા હતા.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રમેશભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે ગંભીર ઈજાઓ થવાના કારણે રમેશભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે સાહિલની ફરિયાદના આધારે સેકટર - 21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...