અકસ્માત:ગાંધીનગરના રખીયાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં મૃતક ફરજ બજાવતાં હતા

ગાંધીનગરના રખીયાલ મોડાસા હાઇવે ભાદરોડા ચોકડી પાસેના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા બાઈક સવારનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. આ અંગે રખીયાલ પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના નરોડા જય અંબે એપાર્ટમેન્ટ માં રહેતા મહેન્દ્રકુમાર કલાભાઈ સોલંકી મૂળ બાયડ તાલુકાના ઉંટરડા ગામનાં વતની છે. નરોડા ખાતે રહેતા મહેન્દ્રભાઈ અમદાવાદ આર્મી કેમ્પમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પિતા કલાભાઈ સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે.

ગઈકાલે સાંજના સમયે કલાભાઈ બાઈક લઈને વતન જઈ રહ્યા હતા. તે વખતે જશાજી મુવાડી થી રખીયાલ થઈ ઉંટરડા જઈ રહ્યા હતા. ત્યારે રખીયાલ - બાયડ હાઇવે ઉંટરડા ચોકડી કોઈ અજાણ્યા ઈસમે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી કલાજીભાઈનાં બાઈકને ટક્કર મારી નાસી ગયો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કલાભાઈને 108 એમ્બ્યુલન્સ થકી રખીયાલ દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે જાણ થતાં તેમનો પુત્ર મહેંદ્રકુમાર ગાંધીનગર આવવા માટે નીકળી ગયો હતો. જો કે રસ્તામાં મેસેજ મળ્યો હતો કે કલાભાઈને રખીયાલ થી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આથી મહેંદ્ર કુમાર સિવિલ દોડી ગયા હતા. જ્યાં તેમના પિતાની સારવાર ચાલી રહી હતી. અને થોડી વાર પછી અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...