કાળમુખી કાર ભરખી ગઇ:ગાંધીનગરમાં ઈંદ્રોડા પ્રકૃતિ ઉધાન રોડ ઉપર કારની ટક્કરથી બાઈક સવાર દંપતીનું મોત, એકને ઇજા પહોંચી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈંદ્રોડાનાં દંપતીનાં મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો

ગાંધીનગરના ઈંદ્રોડા પ્રકૃતિ ઉધાન રોડ ઉપર ગઈકાલે ઢળતી સાંજે કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પાછળથી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે બાઈક ઉપર સવાર ત્રણ લોકો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જે પૈકી ઈંદ્રોડાના દંપતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે બાઈક ચાલકને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક આધેડ છૂટક મજૂરી કામ કરતા હતા

ગાંધીનગરના ઈંદ્રોડા ગામે રહેતાં ભિખાજી ફતાજી મકવાણા ઈન્ફોસિટી Nicmમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના કુટુંબીભાઈ રાજુજી મકવાણા અને તેમના પત્ની સવિતાબેન પણ ઈંદ્રોડા ગામે રહી છૂટક મજૂરી કામ કરતા હતા. જેમના પરિવારમાં ત્રણ દીકરી અને બે દિકરા છે. દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે બે દિકરા અપરણિત છે.

ઘરે જતા મોત મળ્યું

ગઈકાલે શનિવારે ઢળતી સાંજે ભિખાજી ચ-0 સર્કલથી પોતાના ઘરે ઈંદ્રોડા ગામે બાઈક લઈને જઈ રહ્યા હતા. જેમના બાઈકની પાછળ કુટુંબીભાઈ રાજુજી અને તેમના પત્ની સવિતાબેન પણ બેઠા હતા. ત્યારે સેકટર 1/8 કટ પસાર કરી જ રોડ પ્રકૃતિ ઉધાન નજીક પહોંચતા જ એક કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માત થતાં જ રાજુજી તેમજ સવિતાબેન ઉછળીને નજીકની રેલીંગ તરફ પટકાયા હતા. જ્યારે ભિખાજી પણ રોડ ઉપર પડ્યા હતા. જેનાં પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે ઈજાગ્રસ્ત દંપતીને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભિખાજીને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. આ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...