કલાકોમાં જ સરકારનો યુ-ટર્ન:રાજ્યની તમામ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા હાલ મોકૂફ, કેન્દ્રની ગાઈડલાઈનના કારણે નિર્ણય બદલ્યો

ગાંધીનગર2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આવતીકાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થવાનો હતો
 • પરીક્ષા આપવા માટે વિકલ્પ આપવામાં આવ્યા હતા
 • ઓફ લાઇન, ઓન લાઇન અને રહી જાય તેની અલગથી પરીક્ષા વ્યવસ્થા કરાઈ હતી

આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી.  જો કે સાંજ પડતા જ નિર્ણયને કેન્દ્રની ગાઈડલાઈનો હવાલો આપીને રદ્દ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરાં કાળમાં આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા યોજાવાની હતી. પરતું તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવાઈ છે.

આ પરીક્ષાઓ હાલ પૂરતી મુલત્વી રાખવાનો નિર્ણયઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, ભારત સરકારના શિક્ષણ સચિવે પ્રવર્તમાન સ્થિતીમાં દેશના રાજ્યોને દિશાનિર્દેશ આપ્યા છે કે યુનિવર્સિટીઓની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. દેશના રાજ્યોની યુનિવર્સિટીઓમાં પરીક્ષા સંદર્ભે એકસૂત્રતા અને સમાનતા જળવાઇ રહે તેવા હેતુસર ભારત સરકારના શિક્ષણ વિભાગે આ પરીક્ષાઓ હાલ પૂરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. આ દિશાનિર્દેશોને પગલે મુખ્યમંત્રી સાથે પરામર્શ કરીને શિક્ષણ વિભાગે પણ ગુજરાતમાં 2 જુલાઇથી શરૂ થનારી GTU સહિતની અન્ય યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષાઓ મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષા ભવિષ્યમાં નવી તારીખ આપીને લેવામાં આવશે. 

પરીક્ષાના વિકલ્પો આપવામાં આવ્યા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે તમામ યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિકલ્પો પણ આપ્યા હતા. જેમાં ઓનલાઈન, ઓફલાઈન અને બંને રીતે પરીક્ષા ન આપી શકે તો અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી..

આવતી કાલે GTUની પરીક્ષા યોજવા નક્કી કરાયું હતું
આવતી કાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થવાનો હતો અને 350 જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનાર હતી. કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા અને પોલીસ રક્ષણ સાથે પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું.

સરકાર દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો તેમાં,

 • રાજ્યની તમામ યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લા વર્ષની પરીક્ષા સમયપત્રક મુજબ લેવાનું નક્કી કરાયું હતું. GTUની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થવાનો હતો.
 • પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓ પાસે પ્રતિભાવ માંગવામાં આવ્યા હતા, જેમાં 54 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સંમત થયા હતા. જ્યારે 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની ના પાડી હતી
 • પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પો આપ્યા હતા. ઓનલાઇન, ઓફલાઇન અને વધારાની તક.
 • પરીક્ષા કેન્દ્રો ઉપર સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનિટાઈઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની કહેવાયું હતું
 • GTUની પરીક્ષા 350 કેન્દ્રો ઉપર લેવામાં આવનાર હતી
 • વિદ્યાર્થીઓની ચોઈસ મુજબ પરીક્ષા લેવાથી તાલુકામાં કેન્દ્રો ઊભા કરીને પણ પરીક્ષા લેવાની વ્યવસ્થા ઊભી કરાઈ હતી.
 • GTUની પરીક્ષા પછી બાકીની સરકારી તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા રાબેતા મુજબ નક્કી થયેલા ટાઈમ ટેબલ મુજબ લેવાનું નક્કી કરાયું હતું
 • છેલ્લા વર્ષની પરીક્ષા લેવાનો હાલ નિર્ણય સરકારે નિર્ણય કર્યો હતો
 • સરદાર પટેલ યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર રેલી પરીક્ષાની સફળતા બાદ સરકારે આ નિર્ણય કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...