ઉત્તરાયણ પછી કમુરતાં બાદ ગમે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. હાલના 17 સભ્યોના મંત્રીમંડળમાં વધુ 2 કેબિનેટ અને 3 રાજય કક્ષાના મંત્રીઓ સહિત 5 નવા મંત્રીઓ ઉમેરાતા સમગ્ર મંત્રીમંડળનું કદ 22 સભ્યોનું થશે તેમ ભાજપના સૂત્રોનું કહેવું છે. વર્તમાન મંત્રીમંડળમાં રાજ્યના ઘણાં જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું નથી ત્યારે વિસ્તરણ બાદ આ ક્ષતિ પણ પૂરી કરી લેવાશે. વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકના રેકોર્ડ બ્રેક વિજય પછી માત્ર 17 સભ્યોનું મંત્રીમંડળ રચવામાં આવતા ભારે અસંતોષ વ્યાપી ગયો છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ અસંતોષ સીધો કે આડકતરી રીતે પહોંચ્યો છે.
ડિસેમ્બર મહિનામાં એક દિવસીય વિધાનસભા સત્ર પહેલાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મુખ્યદંડક અને 4 નાયબ મુખ્યદંડકની નિમણૂક કરાઇ હતી. હાલ સરકારમાં અને વિધાનસભામાં ગુજરાતના 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે, પરંતુ હજુ 14 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું નથી. ભાજપને 156 બેઠકો મળી હોવાથી ઘણાં સિનિયર ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ થશે તેવા કોડ જાગ્યા હતા. પરંતુ, ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળનું કદ ખૂબ મર્યાદિત રાખતાં કુલ ચૂંટાયેલા સભ્યોના 12 ટકા જેટલા જ મંત્રીમંડળમાં સમાવી શકાયા છે.
હાલ સરકારમાં જિલ્લાવાર પ્રતિનિધિત્વ
મંત્રી મંડળમાં જે 19 જિલ્લાને 24 મંત્રીઓ,અધ્યક્ષ,ઉપાધ્યક્ષ,દંડક,નાયબ દંડકનું પ્રતિનિધિત્વ મળ્યું છે,તેમાં સૌથી વધારે સુરત શહેર અને જિલ્લામાંથી 4 મંત્રી,અમદાવાદ શહેરમાંથી મુખ્યમંત્રી અને એક મંત્રી,રાજકોટ શહેર-જિલ્લામાંથી બે મંત્રી,વડોદરા,સુરેન્દ્રનગર,ડાંગ,આણંદ,અમરેલી,વલસાડ,મહેસાણા,જામનગર,દેવભૂમિ દ્વારકા,પાટણ,ભાવનગર,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,,બનાસકાંઠા અ્ને દાહોદના સમાવેશ થાય છે.જયારે જે 14 જિલ્લાનો પ્રતિનિધિત્વનો સમાવેશ થયો નથી,તેમાં ખેડા,કચ્છ,પોરબંદર,મોરબી,,ગીર સોમનાથ,બોટાદ,ભરૂચ,નર્મદા,છોટાઉદેપુર,સાબરકાંઠા,નવસારી,જૂનાગઢ,તાપી અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.